બનાવટી દસ્તાવેજો ઊભા કરવા સહિતની ફોજદારી
ગાંધીધામમાં 15 કરોડના નાણાકીય વ્યવહારને લઈને ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવા સાથે રામરતન શિવરામ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેસના ફરિયાદી જતિન સત્યનારાયણ અગ્રવાલ ગાંધીધામના વેપારી છે અને ઓફિસ ધરાવે છે. તેમની ફરિયાદમાં જણાવ્યા મુજબ એપ્રિલ-2025માં રામરતન શિવરામ અગ્રવાલે ફરિયાદી તથા તેમના ગ્રૂપની કંપનીઓ પાસેથી 15 કરોડનું મીઠું ખરીદ્યું હતું. આ વ્યવહારના લેણા પેટે અલગ-અલગ કંપનીઓના નામે રૂ.50 લાખના ચેક આપવામાં આવ્યા હતા. આ ચેકો બેંકમાં વટાવવા રજૂ કરાતા પરત ફર્યા હતા. બાદ ફરિયાદી દ્વારા ગાંધીધામ કોર્ટમાં ચેક પરતની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.
ફરિયાદમાં ખોટા અને બનાવટી લેટરપેડ તૈયાર કરવામાં આવ્યા હોવાનો અને આ લેટરપેડમાં રામરતન અગ્રવાલે અગાઉ આપેલા ચેકો ફરિયાદી કંપનીઓ દ્વારા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, તેમજ કંપનીઓના અધિકૃત સહી કરનારાઓની ખોટી અને બનાવટી સહીઓ પણ કરવામાં આવી હોવાની વિગતો લખાવાઇ છે.
દસ્તાવેજો ઇલેક્ટ્રોનિક માધ્યમથી તૈયાર કરી 15 કરોડની જવાબદારીમાંથી છટકી જવા તથા રકમ હડપ કરવાની કોશિશ કરવામાં આવી હતી. તેવું ફરિયાદમાં લખાવાયું છે.

