માંડવીમાં મોપેડની ડેકીમાંથી દારૂ ઝડપાયો

કિશોર સહિત બે સામે દાખલ કરાઇ ફરિયાદ, તપાસ શરૂ

માંડવી શહેરમાં પોલીસની સ્થાનિક ગુનાશોધન શાખાએ જીમખાના પાસેના નગરપાલિકા ગ્રાઉન્ડમાંથી નંબર પ્લેટ વગરની કાળા રંગની જુપીટર મોપેડની ડેકીમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલો 16 વર્ષીય કિશોર મળી આવ્યો હતો. પોલીસે રૂ.38,275નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પેટ્રોલિંગમાં દરમિયાન માંડવી પોસ્ટ ઓફિસ ત્રણ રસ્તા પાસે બાતમી મળી હતી કે જીમખાના પાસેના ખુલ્લા મેદાનમાં કાળા રંગની નંબર પ્લેટ વગરની જુપીટર મોપેડ પર એક ઇસમ દારૂ વેચવા આવવાનો છે. બાતમી મુજબનો કિશોર મોપેડ લઈને ગ્રાઉન્ડમાં આવતાં પોલીસે તેને ઝડપી તપાસ કરતા ડેકીમાંથી રોયલ સ્ટેગ એક્ઝિક્યુટિવ વ્હિસ્કીની 180 એમએલની 12 બોટલ, તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના 500 એમએલના 7 ટીન, મળી આવ્યા હતા. પૂછપરછમાં કિશોરે આ દારૂનો જથ્થો મહેન્દ્ર રામ ગઢવી, અયોધ્યાનગર, માંડવી આપી ગયાનું જણાવ્યું હતું. મહેન્દ્ર ગઢવી દરોડા સમયે હાજર મળ્યો ન હતો. તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.