માંડવી ખાતે યોજાયો સેવાકીય અર્પણવિધિ કાર્યક્રમ
માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા’ના સંયુક્ત ઉપક્રમે, મંગળવારના સોસાયટીના કાર્યાલયમાં સ્ત્રીઓને સિલાઈ મશીન અને દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરવા લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહના પ્રમુખપદે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં અતિથિવિશેષ તરીકે વી.આર.ટી.આઈ. સંસ્થાના ગોરધનભાઈ પટેલ ‘કવિ’ ઉપસ્થિત રહ્યા હતાં. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે સૌને આવકારી જણાવ્યું હતું કે તમામ છ સિલાઈ મશીનના દાતા ભાનુશાલી સમાજના છે. ૩ સિલાઈ મશીનના દાતા સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ (હસ્તે. દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા ( ધુણઈ હાલે અમેરિકા), ૨ સિલાઈ મશીનના દાતા ત્રીકમજી ઠાકરસિંહ ભદ્રા ( ચીયાસર હાલે મુલુંડ – મુંબઈ) અને ૧ સિલાઈ મશીનના દાતા ભાનુશાલી સુરેશભાઈ દયાળજી નંદા – ગોધરા જ્યારે ૧ વ્હીલચેરના દાતા કપીશ ભક્તિ કેવિન રાંભીયા – રાયણ છે.
સમિતીના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશના દાતાના સહયોગથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ છેલ્લા ૨૮ વર્ષથી થઈ રહી છે. પ્રમુખ સ્થાનેથી જયેશભાઈ શાહે બંને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી, દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા અને વી.આર.ટી.આઈ. સંસ્થાના ગોરધનભાઈ પટેલ ‘કવિ’ એ પણ સેવાકીય પ્રવૃતિની સરાહના કરી હતી.
સોસાયટીના રમત-ગમત પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠકે આભારદર્શન કર્યું હતું. સોસાયટીના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ અને ટીમ ગોધરાના મૂળચંદ રાજા ઉપસ્થિત રહ્યા હતાં. શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતાં.

