શહેર સંગઠનના ત્રણ હોદ્દેદારોના નામે જિલ્લા પ્રમુખને પત્રમાં સુધરાઈ અધ્યક્ષાના પતિ સામે વહીવટ સહિતની ફરિયાદો
શિસ્તબધ્ધ ગણાતા કેસરિયા રાજકીય પક્ષ પાસે સત્તા આવ્યા પછી પક્ષના કાર્યકરો, હોદ્દેદારો અને અગ્રણીઓમાં આવેલા સામાજિક અને આર્થિક તથા હોદાકિય બદલાવને લઈને અવારનવાર આંતરિક હુંસાતુંસી અને એકમેકને નીચા બતાવવા સાથે પોલ ખોલ જેવો ઘટનાક્રમ સમયાંતરે બહાર આવતો રહ્યો છે. આવા જ એક કિસ્સામાં ફરી એકવાર કચ્છમાં રાજકીય એપિસેન્ટર ગણાતાં અંજાર વિસ્તારમાંથી વધુ એક રાજકીય લેટર બોમ્બ ફૂટ્યો છે. અંજાર શહેર ભાજપ એકમના ત્રણ અગ્રહરોળના અને મહત્વના હોદ્દેદારોએ પક્ષના જિલ્લા પ્રમુખને પત્ર લખી નગરપાલિકાના મહિલા અધ્યક્ષાના પતિ દ્વારા વહીવટ સહિતની હરકતો થતી હોવાનો આરોપ મૂક્યો છે. સત્તાપક્ષની અંદરો અંદરની આ ગુપ્ત કહી શકાય તેવી બાબત યેનકેન પ્રકારે બહાર આવી જવા સાથે રાજકીય ચર્ચાનો વિષય બની છે. અંજાર નગરપાલિકા અને તેના વહીવટને સંલગ્ન આ વિવાદમાં ભાજપ અંજાર શહેર એકમ દ્વારા નગરપાલિકા પ્રમુખના પતિ સામે જિલ્લા પ્રમુખને ગંભીર લેખિત રજૂઆત કરાઈ છે. અંજાર નગરપાલિકાનો વહીવટ બિનઅધિકૃત રીતે ચાલતો હોવાનો અંજાર સંગઠને આક્ષેપ કરી વિવિધ મુદ્દા પણ રજૂ કર્યા છે. સુધરાઈ પ્રમુખના પતિ દ્વારા કોન્ટ્રાક્ટરોના ચૂકવણા અટકાવી અને મનસ્વી રીતે નાણાં ઉઘરાવાતા હોવા સહિતની બાબતો રજૂ કરાતા ભાજપ સંગઠનમાં રાજકીય હલચલ મચી ગઇ છે.
ભારતીય જનતા પાર્ટી અંજાર શહેરના નામે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદને લેખિત પત્ર પાઠવીને તેમા આ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પત્રમાં જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપની સ્પષ્ટ સૂચના છે કે પાર્ટીના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો ઉઘરાવવાની સખત મનાઈ છે. તેમ છતાં આ નિયમનું ઉલ્લંઘન કરીને અંજાર નગરપાલિકાના પ્રમુખના પતિ (પ્રતિનિધિ) દ્વારા વહીવટ બિનઅધિકૃત રીતે ચલાવવામાં આવી રહ્યો છે.
ભાજપ શહેર સંગઠને પત્રમાં એવી વિગતો રજૂ કરી છે કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોના કામ પૂર્ણ થયા બાદ આપવાના થતા પેમેન્ટના ચેક અટકાવવામાં આવે છે. આ ઉપરાંત, બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન નગરપાલિકાની વિવિધ શાખાના ઇજનેરો , કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને કચરી બહાર અલગ-અલગ જગ્યાએ બોલાવીને આર્થિક વ્યવહારો અને મનસ્વી માંગણીઓ કરવામાં આવતી હોવાની માહિતી પાર્ટીને મળી છે. તો આ ગંભીર મામલે અંજાર નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા પણ લેખિત રજૂઆતો મળી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સંગઠન દ્વારા આ અંગે કોન્ટ્રાક્ટરો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી જિલ્લા પ્રમુખને ટેલિફોનિક માધ્યમથી તેમજ લેખિતમાં પૂરી પાડવામાં આવી છે. તેવું પણ પત્રમાં કહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વી. વ્યાસ, મહામંત્રી અશ્વિન વી. સોરઠીયા અને કૃપાલસિંહ એન. રાણા દ્વારા લખવામાં આવેલા કહેવાતા તેમના નામ અને સહી સાથેના આ પત્રમાં કરવામાં આવેલી આ રજૂઆતના પગલે આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં મોટા ઉછાળા જોવા મળી શકે તેમ હોવાની ગણતરીઓ રાજકીય વિશ્લેષકો માંડી રહ્યા છે. દરમ્યાન આ સમગ્ર પ્રકરણ અન્વયે જેમના નામનો રજૂઆતના પત્રમાં ઉલ્લેખ છે તે શહેર પ્રમુખ હિતેન વ્યાસે પત્ર બાબતે પ્રચાર માધ્યમો સમક્ષ અજ્ઞાનતા બતાવી હતી. જ્યારે સુધરાઈ અધ્યક્ષે મીડિયા સમક્ષ આરોપો નકારી કાઢ્યા હતા.

