ભુજ કોર્ટના હુમલા કેસમાં સ્પ્તાહમાં ચાર્જશીટ

મહત્વની બેઠકમાં સતાધીશો દ્વારા ઉપયોગી નિર્ણયો લેવાયા

ભુજ સેશન્સ કોર્ટ પ્રાંગણમાં હત્યાના પ્રયાસ સહિતના હુમલાના બુધવારે બનેલા બનાવની ગંભીર નોંધ લઈને તે અનુસંધાને સુરક્ષા અને સલામતીને કેન્દ્રમાં રાખીને સત્તાધિશોએ મહત્વના નિર્ણયો લીધા છે. ભુજ ખાતે ગુરુવારે પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.પી. મહિડા દ્વારા તેમની ચેમ્બરમાં આ અન્વયે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.શ્રી મહિડાના અધ્યક્ષસ્થાને બેઠકમાં જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા, ઈન્ચાર્જ એસ.પી. એમ. જે. ક્રિશ્ચિયન, બાર એસો. પ્રમુખ સચિન ગોર તથા કોર્ટ ખાતેના અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠકમાં હુમલાના બનાવમાં ત્વરિત દરમ્યાનગીરી કરી ખૂન જેવો ગંભીર ગુનો બનતો અટકાવી વ્યક્તિનો જીવ બચાવવા બદલ નાયબ પોલીસ અધિક્ષક એમ. જે. ક્રિશ્ચિયનની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી. તો આ બનાવ અન્વયે ભુજ શહેર દાખલ થયેલા ગુનાને રૂટીન ગુનાની માફક નહિ પણ સ્પેશિયલ કેસ તરીકે લેવામાં આવે અને તેની સંપૂર્ણ તપાસ એક સપ્તાહમાં પૂર્ણ કરીને ચાર્જશીટ કરવામાં આવે તેવું નક્કી કરાયું હતું. તેમજ કેસની ટ્રાયલ પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. અને ભવિષ્યમાં આવા બનાવ ના બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી ચર્ચા કરાઈ હતી. ફરીથી આવા બનાવ ના બને તે માટે જરૂરી તમામ પગલાં લેવાની સૂચના અપાઈ હતી. જ્યારે પૂર્વ તેમજ પશ્ચિમ કચ્છના ન્યાયાલયો ખાતે સુરક્ષાની પૂરતી કાળજી અને સઘન ચેકીંગ રાખવામાં આવે અને આવા બનાવોનું પુનરાવર્તન ના થાય તેની કાળજી લેવામાં આવે તેવું પણ જણાવાયું હતું. ન્યાયાલયો ખાતે ન્યાયાધીશ, વકીલૉ, કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ, પક્ષકારો, મહિલાઓ અને કોર્ટમાં આવનાર પ્રત્યેકની સુરક્ષા જળવાય એ માટેના જરૂરી તમામ પગલા લેવાની સૂચના પણ આ બેઠકમાં આપવામાં આવી હતી.