જિલ્લામાં આરોગ્ય અને પોષણની કામગીરીમાં કોઈ ઢીલાશ ન રહે અને સરકારી આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના લોકો સુધી સમયસર પહોંચે તે માટે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં અધિકારીઓને તાકીદ કરાઈ હતી. જિલ્લા પંચાયત ખાતે પોષણ ટાસ્ક ફોર્સ, એક્ઝિક્યુટિવ કમિટી સહિત વિવિધ બેઠકો યોજાઈ હતી. બેઠકોમાં જિલ્લામાં ચાલતી આરોગ્ય અને પોષણની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. કુપોષિત બાળકની સમયસર ઓળખ થાય અને તેને યોગ્ય પોષણ તથા સારવાર મળે તે માટે ખાસ ધ્યાન આપવા જણાવાયું હતું. ગંભીર કુપોષિત બાળકોને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા પણ સૂચના અપાઈ હતી. બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, તબીબી અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
જિલ્લા પંચાયતમાં આરોગ્યની બેઠકો યોજાઈ

