ગેરકાયદે મીટર મામલે ચાર સામે ફરિયાદ

જપ્ત થયા બાદ માત્ર 7 દિવસમાં નવું લાગી ગયુ

ભુજ શહેરના હોસ્પિટલ રોડ પર કાર્યરત દ્રષ્ટિ ઓપ્ટિક્સ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે નવું વીજ મીટર લગાવવામાં આવ્યું હોવા સાથે વીજળી તંત્રના ભુજ સિટી-2ના નાયબ ઈજનેર તૃપ્તીબેન રમેશભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં તંત્રના જુનિયર આસિસ્ટન્ટ અનવર ઓસમાણ સરકી ઉપરાંત ઉઝેફા અબ્દુલગની સમા, આરીફ સુમરા અને ગ્રાહક કમલ આર. નિહાલાણીની સંડોવણી બતાવાઈ છે. ચશ્માની આ દુકાનમાં વીજચોરી ઝડપાતા વીજ મીટર કબજે કરવામાં આવ્યું હતું. દંડની રકમ ભરવા માટે સંચાલક નિલેશભાઈ કમલભાઈ નેહલાણીને નોટિસ આપવામાં આવી હતી. પણ દંડની રકમ ભરપાઈ ન થતાં કચેરી દ્વારા ગ્રાહકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંચાલકે તેમની દુકાનમાં ફરી મીટર લાગી ગયું હોવાનું જણાવતાં અધિકારીને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે નવું મીટર લગાવેલું મળી આવ્યું હતું. જે કબજે કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં લખાવ્યા મુજબ ઉઝેફા અબ્દુલગની સમાએ અનવર ઓસમાણ સરકી સાથે ઓળખાણ હોવાનું જણાવી નવું મીટર લગાવી આપવાની વાત કરી હતી. બાદ આરીફ સુમરાએ ભેગા મળી મીટર લગાવ્યું હોવાની વિગતો લખાવાઇ છે. ફરિયાદમાં વીજ કંપનીના માળખા સાથે ગેરરીતિ અને છેડછાડના આરોપ મુકાયા છે.