308 જેટલા વધારાના ખાસ રૂટથી 15501 મુસાફરોને અપાઈ પ્રવાસની સુવિધા, ઓનલાઈન બુકિંગે 1.65 કરોડથી વધુની આવક રળી આપી
દિવાળીના તહેવારો અને વેકેશન દરમિયાન વતન જવા તેમજ રજાઓ પૂર્ણ થતાં પરત ફરતા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને કચ્છ એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા વિશેષ આયોજનને સારો પ્રતિસાદ મળ્યો છે.
તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા માટે નિયમિત બસોની સાથે વધારાની બસો દોડાવવામાં આવી હતી. જેના પરિણામે કચ્છ એસટી વિભાગે બે કરોડ રૂપિયાથી વધુની આવક મેળવી છે.
દિવાળીના વેકેશન દરમિયાન ભુજ, અંજાર અને ગાંધીધામ સહિતના બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્ર, દાહોદ, ગોધરા, સંજેલી, રાજકોટ અને જૂનાગઢ તરફના રૂટ પર મુસાફરોનો ધસારો રહેતા એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી.
સતાવાર સાધનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, 1થી 9 નવેમ્બર દરમિયાન કચ્છ એસટી વિભાગમાં કુલ 54713 બેઠકનું ઓનલાઈન બુકિંગ થયું હતું. આ બુકિંગના માધ્યમથી વિભાગને 1,65,67,005ની આવક થઈ હતી. ઓનલાઈન બુકિંગમાં ભુજ ડેપો પ્રથમ ક્રમે રહ્યો હતો. ભુજ ડેપોમાં કુલ 12663 બેઠકોનું બુકિંગ થતાં 35,98,947ની આવક નોંધાઈ હતી.
બીજી તરફ, 1થી 10 નવેમ્બર દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વધારાની બસોની 308 ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની ટ્રિપ દ્વારા કુલ 15501 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો, જેના થકી એસટી વિભાગને 36.86 લાખની આવક થઈ હતી.
ઓનલાઈન બુકિંગ અને વધારાની બસોના સંચાલન થકી દિવાળીના તહેવારો દરમિયાન કચ્છ એસટી વિભાગની કુલ આવક 2.02 કરોડથી વધુ નોંધાઈ હતી. તહેવારોના સમયગાળામાં મુસાફરોને સમયસર અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવા માટે એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજનને કારણે મુસાફરોને રાહત મળી હતી. તેવું જણાવાયું હતું.

