ધી કચ્છ બ્લાઇન્ડ વેલ્ફેર એસોસિએશન ( કચ્છ અંધ કલ્યાણ સમિતિની ) વાર્ષિક સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ જાદવજીભાઈ વરસાણીના અધ્યક્ષ સ્થાને ભુજ સ્થિત સંસ્થાના કાર્યાલય ખાતે યોજાઈ ગઈ હતી. શરૂઆતમાં સંસ્થાના સહમંત્રી દીપાબેન ગઢવી દ્વારા ગત બેઠકની મિનિટ્સનું વાચન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ખજાનચી કનૈયાલાલ અંજારિયાએ હિસાબો રજૂ કર્યા હતા, સંસ્થાના મહામંત્રી રતિલાલ પટેલ દ્વારા સંસ્થાની વાર્ષિક કામગીરીનો અહેવાલ રજૂ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા બ્રેઇલ-વાંચન સ્પર્ધા, સંગીત શિક્ષકોની શિબિર અને ગીત સ્પર્ધા જેવા અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટના સહયોગથી જરૂરિયાતમંદ દિવ્યાંગોને રાશન કીટ તેમજ મીઠાઈ વિતરણ જેવી માનવતાવાદી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી હતી.
બેઠકમાં એક મહત્વની રજૂઆત પણ ધ્યાને લેવામાં આવી હતી કે, કચ્છમાં વર્ષોથી ચાલતી સરકારી અંધ શાળાના મકાનની વૈકલ્પિક વ્યવસ્થા કરીને શાળા ચાલુ રાખવા માટે નેત્રહીનો દ્વારા કલેક્ટર સમક્ષ રેલી કાઢીને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબત અંતર્ગત કચ્છ અંધ કલ્યાણ સમિતિ દ્વારા પણ સરકાર સમક્ષ સક્રિયપણે રજૂઆત કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા આ વર્ષે પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘અખિલ કચ્છ ચેસ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંગેની વિગતવાર માહિતી સંસ્થાના સહમંત્રી કપિલભાઈ દોશીએ આપી હતી.
સભા દરમિયાન સંસ્થાના વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર મહાનુભાવોનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત થયેલા સંગીત શિક્ષક આર. કે. પટેલ, ચેસ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર રામજીભાઈ ચાવડા તેમજ પી.એચડી.ની પદવી મેળવનાર ડૉ. કપિલભાઈ દોશીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વિશેષ વ્યવસ્થાના દાતા તરીકે સંસ્થાના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ ધારશી શાહ રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દીપાબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપપ્રમુખ કલ્પેશભાઈ ઠક્કરે આભાર વ્યક્ત કર્યો હતો કારોબારી સભ્યો કરમશીભાઈ પટેલ, અલીભાઈ લુહાર, બુધુભા જાડેજા, દેવાંગભાઈ ગઢવી તથા અન્ય સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી
વિવિધ સેવા કાર્યોની સમીક્ષા સાથે અગ્રણીઓનું બહુમાન

