દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ સાધન સેવા

મસ્કા પંચાયત અને ભુજના ટ્રસ્ટનું સેવાકાર્ય

માંડવી તાલુકાના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મરકા ગ્રામ પંચાયત તથા લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના સંયુક્ત ઉપક્રમે મસ્કા ખાતે “દર્દીઓ માટે મેડિકલ સાધન સેવાઓ” શરૂ કરવામાં આવી છે.
આ સેવાઓ અંતર્ગત ઓપરેશન બાદ અથવા લાંબા સમય સુધી સારવાર હેઠળ રહેલા દર્દીઓને જરૂરિયાત મુજબ ઓક્સિજન મશીન, ઓક્સિજન સિલિન્ડર, એર બેડ, મેડિકલ બેડ, વ્હીલચેર, ટ્રાયસિકલ, વોકર, યુરિન પોટ, ટોયલેટ પોટ સહિતના વિવિધ મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેવું આયોજક સંસ્થાઓએ જણાવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર જરૂરી મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવી તેમની સારવારને સરળ બનાવવાનો તેમજ પરિવાર પરનો આર્થિક બોજ ઘટાડવાનો હોવાનું પણ જણાવાયું છે. મરકા ગ્રામ પંચાયતના સરપંચ કીર્તિભાઈ ગોર અને લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, ભુજના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે, સમાજસેવાના આ કાર્ય દ્વારા વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી સેવાનો લાભ પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.