મુંદરા તાલુકાના વાઘુરા ગામે ગાય માટે ચારો લેવા જઈ રહેલા બે યુવાનને રસ્તામાં અટકાવી લાકડાના ધોકા તથા ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડ્યાની ઘટના બહાર આવી છે. આ અંગે હાર્દિક રવજીભાઈ ચાવડા (ઉં.વ. ૧૯, વાઘુરા)એ મુંદરા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૨ સપ્ટેમ્બરના સાંજના આશરે પાંચ વાગ્યે હાર્દિક પોતાના મિત્ર આર્યન કાનાભાઈ હેથવાડિયા સાથે બજાજ પલ્સર મોટરસાઇકલ પર ગાય માટે ચારો લેવા નીકળ્યો હતો. બંને વાઘુરા-વિલોટ-ચાંદ્રોડા ત્રણ રસ્તા પાસેથી આર્યનની વાડી તરફ જતા કાચા રસ્તે રત્નામાંની ડેરી (મંદિર) પાસે પહોંચ્યા ત્યારે ત્યાં શાંતિલાલ રામા ચાવડા, કાના દેવા મરુ, વિરેન દેવા મરુ અને રાજેશ ઉર્ફે શંભુ નારણ મરુ હાજર હતા. ફરિયાદ મુજબ, આરોપીઓએ બંને યુવાનો સાથે મારામારી શરૂ કરી હતી. શાંતિલાલે હાર્દિકને પીઠના ભાગે ધોકાથી માર માર્યો હતો, જ્યારે આર્યનને પણ ધોકાથી માર મારવામાં આવ્યો હતો. અન્ય ત્રણ શખ્સએ ગડદાપાટુનો માર માર્યો હોવાનું લખાવાયું છે. ઈજાગ્રસ્તોને મુંદરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. આર્યનને જમણા ગાલ પર ત્રણ તથા જમણી આંખ ઉપર એક ટાંકો આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી હાર્દિકે ચાર દિવસ અગાઉ વથાણ ચોકમાં બેસવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને હુમલો કરાયો હોવાનો આરોપ મૂક્યો છે. તેમ ફરિયાદને ટાંકીને પોલીસે ઉમેર્યું હતું.
વાઘુરામાં ચારો લેવા જતા બે યુવાન પર ચાર શખ્સનો હુમલો

