ભુજ માધાપર જૈન પરિવાર દ્વારા તપસ્વી બહુમાન

ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં જ્ઞાતિજનો જોડાયા

તાજેતરમાં રવિવારના ભુજ માધાપર જૈન પરિવારના પ્રમુખ પ્રકાશ ડી. ગાંધીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તપસ્વીઓનું બહુમાન, સમૂહ ક્ષમાપના તેમજ સ્વામીવાત્સલ્ય જેવા ત્રિવિધ ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત સાધુવૃંદ તેમજ શ્રાવિકા બહેનો દ્વારા માંગલિક અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ સમગ્ર ધાર્મિક આયોજનના મુખ્ય દાતા તરીકે કીર્તિભાઈ લાલચંદ પરિવાર (ALC) રહ્યા હતા આ આયોજનમાં વિશેષ રૂપે બહારગામથી આવીને ભુજ મુકામે રહેવા આવેલા આશરે ૭ જેટલા નવા પરિવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી સમાજના તમામ લોકો સાથે તેઓનો પરિચય થઈ શકે. આ પ્રસંગે ખાસ કરીને તપસ્વી ભાઈ-બહેનોને શાતા (અનુકૂળતા) રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.મહોત્સવ દરમિયાન ભુજ પરિવારના આશરે ૬૦થી વધુ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ તપસ્વી બહુમાનના લાભાર્થી દાતા પરિવાર બાબુશ્રી કેવલચંદજી ગાંધી પરિવાર (અલકા આર. લાલ) રહ્યા હતા, જેમણે તેમના પુત્ર વિરાજના સિદ્ધિતપ નિમિત્તે આ બહુમાનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, બપોરના સમયે યોજાયેલા સ્વામીવાત્સલ્યનો લાભ ભુજ માધાપર પરિવારના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો દ્વારા લેવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સંઘના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ કમલેશ સંઘવી, વિરલ શાહ, જીજ્ઞેશ શાહ તેમજ અન્યએ પોતાના ભાવો અને શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે, તપોગચ્છ જૈન સંઘ દ્વારા કુલ ૧૨૫ જેટલા તપસ્વીઓને સિદ્ધિતપની આરાધના કરાવવામાં આવી હતી, જેમાં ૨૬ જેટલા તપસ્વીઓ ભુજ પરિવારના હતા. આમ, કુલ તપસ્વીઓમાં ૨૦ ટકાથી વધુ હિસ્સો ભુજ પરિવારના તપસ્વીઓનો રહ્યો હતો, જે સંઘ માટે ખૂબ જ ગૌરવની અને મહત્વની બાબત ગણાવાઈ હતી.
મહોત્સવને સફળ બનાવવા માટે પરિવારના હોદ્દેદારો પ્રવિકા મહેતા, ચંદ્રકાંત શાહ, સુરેશ શાહ, કેતન ગાંધી તેમજ કિરીટ લાલન અને કારોબારી તથા ધાર્મિક સમિતિ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કેતન દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. બહુમાનની વ્યવસ્થા ધાર્મિક સમિતિના હિતેશ શાહ, ધ્રુમિલ શાહ, કૌશિક શાહ, વિશાલ સંઘવી તેમજ નિશીથ શાહ દ્વારા સંભાળવામાં આવી હતી. જ્યારે ભોજનની વ્યવસ્થા કિરીટ લાલન તેમજ વિનેશ શાહ હસ્તક રહી હતી, તેવું યાદીમા મંત્રી પ્રવિકાબેન દ્વારા જણાવાયું હતું.