ભચાઉ– રાપર તાલુકામાં ગેરકાયદે. ખનન સામે કાર્યવાહી

ચાર કરોડનો મુદ્દામાલ જપ્ત, ૮ ટ્રક અને હિટાચી યંત્ર સીઝ

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની સૂચનાના પગલે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ભચાઉ), મામલતદાર (ભચાઉ) તથા ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી સામે વાગડ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સંયુક્ત ટીમ દ્વારા બુધવારના દિવસે તેમજ રાત્રિ દરમિયાન ભચાઉ અને રાપર તાલુકામાં થઈ રહેલા ગેરકાયદેસર ખનન અને પરિવહન અંગે આ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભચાઉ તાલુકાના લોધેશ્વરથી ખારોઈ જતા રસ્તે, ભરત હોટેલ, ધરાણા પાટીયા, શિકારપુર તેમજ રાપર તાલુકાના ગાગોદર ખાતે રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે વ્હાઇટ માટી (સફેદ માટી) તથા રેતીનું વહન કરતી કુલ આઠ ટ્રક સીઝ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગાગોદર ખાતે ગેરકાયદેસર ખનન કાર્યમાં લાગેલું એક હિટાચી મશીન અને એક કેમ્પર (ડમ્પર) પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. ગાગોદર ખાતે ખનન સ્થળ પર આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ-ખનિજ વિભાગની ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
.તંત્રની આ સંયુક્ત કાર્યવાહીમાં અંદાજે રૂપિયા ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ વાહનો વિરુદ્ધ ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઇન લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કાયદેસરની ગુનો નોંધી, દંડની વસૂલાતની કાર્યવાહી અર્થે તમામ વાહનોનો કબ્જો સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. તેવું સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.