મુંદરામાં હેરોઈન સાથે બે જણ ઝડપાયા

મજૂર કોલોનીમાં દરોડો, સપ્લાયરનું નામ ખુલ્યું

મુંદરા પોલીસે આનંદ શ્રમિક કોલોનીમાં દરોડો પાડી 12 ગ્રામ હેરોઈન સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે હેરોઈન સહિત 2.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હેરોઈનનો જથ્થો પંજાબના અમૃતસરના હેપી પાસેથી ખરીદાયો હોવાની વિગતો સપાટી ઉપર આવી છે.
મુંદરા પોલીસને પેટ્રોલિંગમાં બાતમી મળી હતી કે આનંદ લેબર કોલોનીના રહેતો સાગર મેન્યુઅલ મસિહ (30), મૂળ ગુરુદાસપુર, પંજાબ, હાલે મોટા કાંડાગરા નશીલા પદાર્થનું વેચાણ કરે છે. પોલીસે તેના આધારે આ દરોડો પાડ્યો હતો. રૂમમાંથી સાગર સાથે મલકીતસિંગ ગુરબીતસિંગ (34), મૂળ ગુરુદાસપુર, પંજાબ પણ મળી આવ્યો હતો. સાગરની ઝડતી દરમિયાન પ્લાસ્ટિકની કોથળીમાંથી પાવડર મળી આવ્યું હતું. એફએસએલના વૈજ્ઞાનિક અધિકારી એ પ્રાથમિક પરીક્ષણ કરતાં પદાર્થ હેરોઈન હોવાનું પરિણામ આવ્યું હતું.
સાગર પાસેથી બે મોબાઈલ, રૂ.700 રોકડા, ત્રણ ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા, જ્યારે મલકીતસિંગ પાસેથી મોબાઈલ તથા રૂ.6,100 રોકડા મળી આવ્યા હતા.
પૂછપરછમાં સાગરે હેરોઈન 11 દિવસ અગાઉ હેપી, સેસરા, અમૃતસર, પંજાબ પાસેથી ખરીદયું હોવાનું અને મલકીતસિંગ સાથે મળી છૂટક વેચાણ કરાતું હોવાનું જણાવ્યું હતું. તેવી વિગતો પોલીસે આપી હતી.