37 લાખના હેરોઇન સાથે ટ્રકચાલક સકંજામાં

મોખા પાસે અદાણી પાર્કિંગમાં દરોડો, 1.58 કરોડની માલમતા કબજે

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા મુંદરા તાલુકામાં મોખા ગામ પાસેથી પંજાબના વતની ટ્રકચાલક 30 વર્ષની વયના કારજસિંગ કુલબીર્સિંગ માનીસને 37 લાખના હેરોઇન સાથે ઝડપી પડાયો હતો. પ્રાથમિક તબક્કે આ આરોપી લાંબા સમયથી રાજસ્થાન અને કચ્છમાં હેરોઈન હેરફેરનું કામ કરતો હોવાનું બહાર આવતાં પોલીસે નેટવર્કની અન્ય સંલગ્ન કડીઓ શોધવા તપાસ તેજ બનાવી છે. આ કિસ્સાને લઈને કેફીદ્રવ્ય હેરફેરની કડીઓ મળવાની સંભાવના જોવાઈ રહી છે. બાતમીના આધારે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે મોખા ગામ પાસેના અદાણી પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટ્રેલરમાં સવાર કારજસિંઘ માનીસ ( મોગા, પંજાબ)ની અટક કરી તેની તલાશી લેતાં ડ્રાઈવર કેબિનમાં રહેલા હાથપાકીટમાં પ્લાસ્ટિકના પાઉચમાં છુપાવેલું 185 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. ડિજિટલ વજનકાંટો, રૂ.1,59,105ની ચલણી નોટો તથા ખાલી પાઉચ સહિતનો મુદ્દામાલ તેની પાસેથી મળ્યો હતો.
પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં કારજસિંગે એવી વિગતો આપી હતી કે ચાર-પાંચ દિવસ અગાઉ મોગામાં રહેતા તેના મિત્ર રવિ ઉર્ફે બગ્ગા પાસેથી તેણે .2.40 લાખમાં 200 ગ્રામ હેરોઈન ખરીદ્યું હતું. તેમાંથી 15 ગ્રામ હેરોઈન તેણે રાજસ્થાન અને ગાંધીધામમાં બે ગ્રાહકોને વેચ્યું હતું. બાકી રહેલું 185 ગ્રામ હેરોઈન મુંદરામાં ગ્રાહકને વેચવા તે રાહ જોઈ રહ્યો હતો. કારજસિંઘ લાંબા સમયથી ટ્રકમાં માલસામાનની હેરફેર સાથે હેરોઈનની પણ ખેપ મારતો હોવાની આશંકા છે. ગાંધીધામમાં તેણે કોને હેરોઈન આપ્યું અને મુંદરામાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. કબજે કરાયેલી રોકડ હેરોઈનના વેચાણની હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. બનાવ બાબતે પ્રાગપર પોલીસ મથકે કારજસિંઘ અને હેરોઈન સપ્લાય કરનાર રવિ ઉર્ફે બગ્ગા સામે ગુનો દાખલ કરાયો હતો. ઘટના અંગે રવિવારે બપોર બાદ જિલ્લા મથક ભુજમાં પ્રેસબ્રીફમાં વિવિધ સંલગ્ન વિગતો અપાઈ હતી. 37 લાખનું હેરોઈન, 1.59 લાખ રોકડા, 40 લાખનું ટ્રેલર, 40 લાખના કાપડ બનાવવાના સૂતરના બોક્સ ભરેલું કન્ટેઈનર તથા રૂ.20 હજારના બે મોબાઈલ સહિત રૂ.1,59 કરોડની નો માલમતા કબજે કરાઇ હોવાની વિગતો અપાઈ હતી. ઈન્સ્પેક્ટર એ.ડી. પરમાર, ફોજદાર ટી.બી. રબારી, સ્ટાફના ચેતનસિંહ જાડેજા, રઝાક સોતા, માણેક ગઢવી, ગોપાલ ગઢવી, ભાવેશ ચૌધરી કામગીરીમાં જોડાયા હતા.