પિંગલેશ્વર કાંઠે શંકાસ્પદ સામગ્રી મળતા એજન્સીઓ સતર્ક

સંયુક્ત પેટ્રોલિંગમાં સાધનો મળ્યા, તપાસનો ધમધમાટ

સાગર સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ સાથે વ્યૂહાત્મક રીતે મહત્વના અબડાસાના જખૌ પંથકમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ એ.આઈએસ. સિસ્ટમ તથા ઓક્સિજન સિલિન્ડર મળી આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. પીંગલેશ્વર નજીકના લેન્ડીંગ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળેલા આ સાધનો અંગે સર્વગ્રાહી તપાસ હાથ ધરાઇ છે.
જખૌ પોલીસ સ્ટેશનના ફોજદાર આર.જે. ગોહિલના માર્ગદર્શન તળે સ્ટાફના લાખીયારજી સોઢા , જોરાવરસિંહ જાડેજા, બી.બી. સંગાર, પુનસીભાઈ મહેશ્વરી અને સાગર દળના સભ્યો દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ સામગ્રી મળી આવી હતી.
આ ઘટનામાં પેટ્રોલિંગ ટીમને કાંઠા વિસ્તારમાં એક શંકાસ્પદ ઓટોમેટિક આઇડીફિકેશન સિસ્ટમ સિસ્ટમ મળી આવી હતી. તેની સાથે એક શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળ્યું હતું. તેમ પોલીસે જણાવ્યું છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લેવા સાથે તપાસનીશો સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર આ સ્થળે કેવી રીતે પહોંચ્યા, તેનો ઉપયોગ, હેતુ તેમજ જોડાણ સહિતના પાસા તપાસમાં આવરી આગળ વધી રહ્યા છે. તેમ પોલીસ સાધનોએ ઉમેર્યું હતું.