જી. કે..માં સુપર સ્પેશિયાલિટી સારવારનો નવો યુગ શરૂ થવા ભણી

ઉચ્ચતમ સારવાર સહિતની તબીબી સવલતો મળવાની આશા

જિલ્લા હોસ્પિટલ હોવા છતાં એક સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર પણ માંડ મળતી હતી. પરંતુ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ સાથે જોડાણ બાદ હવે આગામી સમયમાં કચ્છના દર્દીઓને ઘરઆંગણે સુપર સ્પેશિયાલિટી સારવાર આ હોસ્પિટલના માધ્યમથી મળવાની આશા જાગી છે.
જનરલ હોસ્પિટલ સાથેની મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમો શરૂ થવાથી નિષ્ણાત તબીબો પણ તૈયાર થશે. આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં 50 સુપર સ્પેશિયાલિટી સીટ ફાળવવાની દિશામાં કામગીરી થશે ત્યારે સરકારી બી.જે. મેડિકલ કોલેજ બાદ બીજી અને ખાનગી મેડિકલ કોલેજોમાં ગેઇમ્સ પ્રથમ બનવાની દિશામાં આગળ વધી રહી છે. આ વિકાસથી છેવાડાના અને અંતરિયાળ કચ્છની તબીબી ક્ષેત્રે આગવી ઓળખ ઊભી થવાની સંભાવના છે.
જી.કે. જનરલ હોસ્પિટલ સંકુલમાં તબક્કાવાર શરૂ થનારી સુપર સ્પેશિયાલિટી સારવારમાં કાર્ડિયોલોજી, ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી, નિયોનેટોલોજી, મેડિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ક્રિટિકલ કેર, મેડિસિન, હેડ એન્ડ નેક સર્જરી, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, યુરોલોજી, રેડિયેશન ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરોસર્જરી સહિતની સેવાઓનો સમાવેશ થશે.
આ સુવિધાઓ શરૂ થવાથી એક તરફ કચ્છના દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર મળશે, તો બીજી તરફ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ અને ઉચ્ચ સ્તરીય તબીબી અભ્યાસ માટે વિશાળ પ્લેટફોર્મ મળશે.
વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમનો સીધો લાભ
મેડિકલ ડાયરેક્ટર ડો. નરેન્દ્ર હીરાણી અને અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. અજીતકુમાર ખીલનાનીએ જણાવ્યું હતું કે, ગેઇમ્સ કોલેજ અને હોસ્પિટલ સાથે જોડાયેલી સુપર સ્પેશિયાલિટી સેવાઓનો મુખ્ય હેતુ દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર સાથે સમાજને ઉચ્ચ કોટિના નિષ્ણાત તબીબો આપવાનો છે.
સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ થયા બાદ એમબીબીએસ અને પી.જી.ના વિદ્યાર્થીઓને એક જ કેમ્પસમાં વ્યવહારુ તાલીમ અને અભ્યાસની તક મળશે. વિદ્યાર્થીઓ કેથલેબમાં એન્જિયોપ્લાસ્ટી જેવી પ્રક્રિયાઓને નજીકથી નિહાળી શકશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને સિનિયર નિષ્ણાત તબીબો સાથે ઓપરેશનમાં ભાગ લેવાની તક પણ મળશે. તેવી વિગતો અપાઈ છે.
રિસર્ચ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના અભ્યાસની તકો
સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ થતાં રિસર્ચ પ્રોજેક્ટ, કેસ સ્ટડી તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવાની તકો પણ વધશે. જેના કારણે પીજી અને સુપર સ્પેશિયાલિટી નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ મોટો લાભ મળશે. તેવી આશા છે.
દેશ-વિદેશમાંથી આવતા પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ સતત શિક્ષણ મળવાથી કોલેજની શૈક્ષણિક ગુણવત્તા અને રેન્કિંગમાં પણ નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે.
એમ.ડી. અને એમ.એસ. બાદ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી ડી.એમ. અને એમ.સી.એચ. જેવી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચમાં પણ રેસિડેન્ટ ડોક્ટરોને શીખવાની તક મળશે. તેવું જણાવાયું છે.
કચ્છના દર્દીઓને ઘરઆંગણે જટિલ સારવાર
કાર્ડિયો, ન્યુરો, નેફ્રો અને ઓન્કોલોજી જેવા વિભાગોમાં આવતા કોમ્પ્લેક્સ કેસના કારણે વિદ્યાર્થીઓને વિશેષ પ્રકારના તબીબી કેસનો સીધો અનુભવ મળશે. સુપર સ્પેશિયાલિસ્ટ સુવિધાઓ શરૂ થતાં કચ્છના દર્દીઓને જટિલ સારવાર માટે બહારના શહેરોમાં જવાની જરૂરિયાતમાં ઘટાડો થશે.
આ ઉપરાંત વિવિધ સારવાર સેવાઓ રાહતના ધોરણે તેમજ આયુષ્માન કાર્ડ હેઠળ ઉપલબ્ધ થવાથી વિશાળ અને દુર્ગમ કચ્છ વિસ્તારના અનેક વર્ગના દર્દીઓ માટે આ સુવિધા અત્યંત લાભદાયી સાબિત થવાની આશા રખાઈ રહી છે.
જી.કે. જનરલ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સારવારનું વિસ્તરણ માત્ર દર્દીઓ માટે જ નહીં, પરંતુ ભાવિ નિષ્ણાત તબીબોના ઘડતર માટે પણ કચ્છના તબીબી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત સાબિત થઈ શકે છે. તેવી વિગતો અપાઈ છે.