ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય : 10મીથી અમલ
ગુજરાત હાઈકોર્ટએ મોટો નિર્ણય લીધો છે. જેથી વકીલો માટે રાહત થઈ છે. હસ્તલિખિત અને કેટલીક મહત્વપૂર્ણ અરજીઓને A4 ફોર્મેટિંગ નિયમમાંથી મુક્તિ આ નિર્ણય અંતર્ગત આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને સ્ટાન્ડર્ડ ફોર્મેટિંગનો નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી લાગુ કર્યો હતો. પરંતુ આ નિયમ સાથે અદાલતી કામગીરી અને વકીલોની વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ રાહત આપી છે.
કોર્ટ સમક્ષ તુરંત રજૂ કરવાની થતી હસ્તલિખિત તથા દૈનિક કામગીરી સંબંધિત કેટલીક અરજીઓને આ નવા ફોર્મેટિંગના નિયમોમાંથી સ્પષ્ટપણે મુક્તિ આપવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટના આ અંગેના પરિપત્ર મુજબ, અગાઉના ૧૫/૦૪/૨૦૨૬ ના પરિપત્રના સ્થાને હવે તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી રાજ્યની તમામ જિલ્લા અદાલતોમાં લાગુ થશે. અદાલતમાં રજૂ થતી તમામ અરજીઓ, અપીલોની યાદી પ્લીડિંગ્સના દસ્તાવેજો, હુકમો અને ચુકાદાઓ માટે ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે: પેપર સાઈઝ અને ક્વોલિટી દસ્તાવેજો માટે માત્ર શ્રેષ્ઠ ગુણવત્તાવાળા A4 સાઈઝના પેપર (29.7 cm x 21 cm)નો જ ઉપયોગ કરવાનો રહેશે. તો કાગળની ગુણવત્તા ઓછામાં ઓછી 75 GSM હોવી જરૂરીરહેશે કાગળની બંને બાજુ પ્રિન્ટિંગ કરવાનું રહેશે. તો ફોન્ટ અને ફોન્ટ સાઈઝ ગુજરાતી લખાણ માટે: Lohit Gujarati, Noto Sans Gujarati અથવા Noto Serif Gujarati વાપરવાના રહેશે અને તેની ફોન્ટ સાઈઝ ૧૩ રાખવાની રહેશે. અંગ્રેજી લખાણ માટે: Times New Roman ફોન્ટ વાપરવાના રહેશે અને તેની ફોન્ટ સાઈઝ ૧૪ રાખવાની રહેશે. વાક્યો/લાઈન વચ્ચે ૧.૫ લાઈન સ્પેસિંગ રાખવું ફરજિયાત છે. આ નવો નિયમ તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ થી સમગ્ર ગુજરાત રાજ્યની તમામ સબ-ઓર્ડિનેટ તથા જિલ્લા અદાલતોમાં સાર્વત્રિક રીતે અમલમાં આવી જશે.
હાઈકોર્ટના આ નિર્ણયથી એક તરફ અદાલતી દસ્તાવેજોમાં એકરૂપતા અને ગુણવત્તા આવશે, તો બીજી તરફ દૈનિક કામગીરીમાં વકિલોને પડતી મુશ્કેલીઓ દુર થશે. ખાસ કરીને મુદત અરજી, હાજરી માફી કે આરોપીની રજૂઆત વેળાએ અપાતી તાત્કાલિક જામીન અરજીઓ જેવી હસ્તલિખિત અરજીઓને નિયમોમાંથી મુક્ત રાખીને હાઈકોર્ટે વકીલો માટે સમય અને કામગીરી બંને રીતે રાહત પૂરી પડાઈ છે.

