દયાપર ખાતે જિલ્લાકક્ષાના ૭૭મા વન મહોત્સવનો પ્રારંભ
રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા આયોજિત ૭૭મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, સરહદી તાલુકા ખાતે જિલ્લાકક્ષાના વન મહોત્સવના આયોજનથી નાગરિકોમાં પર્યાવરણ ક્ષેત્રે વિશેષ જાગૃતિ આવશે. વન વિભાગ અને નાગરિકોના સહિયારા પ્રયાસથી આ વિસ્તારને વધુ હરિયાળો બનાવી શકાશે.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય અને પર્યાવરણનું જતન થાય એ બાબતને પ્રાથમિકતા આપી રહી છે. રામસર સાઈટની માન્યતા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે સાથેસાથે રોજગારીની નવી તકોનું સર્જન થશે.
કચ્છ વન વર્તૂળના વન સંરક્ષક ડૉ. ધીરજ મિત્તલે ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવીને ઉમેર્યું હતું કે, આ ઉજવણીથી લોકો પર્યાવરણના જતન બાબતે વધુ જાગૃત બનશે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક જે.આર.પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક વૃક્ષોની જાતોને વાવીને જતન કરવા માટે સામાજિક વનીકરણ વિભાગ મક્કમતાથી કામગીરી કરી રહ્યું છે.
આ પ્રસંગે વિશિષ્ટ કામગીરી કરનારા વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી સંસ્થાઓને પ્રશસ્તિ પત્ર આપીને બિરદાવવામાં આવી હતી. લોકોના આરોગ્યની તપાસ માટે હેલ્થ વિભાગના સહયોગથી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી.ભરવાડએ આવકાર આપ્યો હતો. આભારવિધિ મદદનીશ વન સંરક્ષક પી.એન.વાઘેલાએ કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, મામલતદાર નવીનચંદ્ર મારૂ, અગ્રણી મેઘજીભાઈ બલિયા, મોડભાઈ સુમરા, મદદનીશ વન સંરક્ષક જે.બી.જોશી, ઉપસ્થિત રહ્યા હતા

