એઇડ્સ મુક્ત સમાજ માટે મહાઅભિયાન શરૂ

મુંદરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને શપથ લેવડાવાયા

મુંદરાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેનિયા એન્ડ એન્કરવાલા તથા ચંદનબેન હાથીભાઈ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત રાજ્ય એઇડ્સ નિયંત્રણ સોસાયટી તથા ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ઇન્ટેન્સિફાઇડ આઇ.ઇ.સી. કેમ્પેઇન-૨૦૨૬” અંતર્ગત એઇડ્સ જાગૃતિ, વ્યસનમુક્તિ અને આરોગ્ય અંગેનો વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ એઇડ્સ અંગેની માહિતી મેળવી હતી તેમજ સ્વસ્થ અને વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી તથા જિલ્લા એઇડ્સ/એચ.આઈ.વી. નિયંત્રણ અધિકારી ડો. મનોજકુમાર દવેના માર્ગદર્શન અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાં તા. ૧૨ ઓગસ્ટ ૨૦૨૬થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી બે મહિના માટે આ સઘન જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી./એઇડ્સ અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવી, લોકોમાં સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી, ભેદભાવમુક્ત વલણ કેળવવું તેમજ યુવાનોને જાગૃતિના દૂત તરીકે જોડવાનો છે.
કાર્યક્રમ દરમિયાન “મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા અને યુવાનોની ભૂમિકા” વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યોમાં એચ.આઈ.વી./એઇડ્સથી બચવાના ઉપાયો, વહેલી તકે તપાસ અને યોગ્ય માર્ગદર્શનનું મહત્વ, સમાજમાં પ્રચલિત ગેરમાન્યતાઓ દૂર કરવાની જરૂરિયાત તથા એચ.આઈ.વી. સાથે જીવતા લોકો પ્રત્યે માનવીય અને ભેદભાવમુક્ત અભિગમ રાખવાની જરૂરિયાત અંગે વિચારો રજૂ કર્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ આરોગ્યલક્ષી વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઈઝર ઝવેરભાઈ નાથાણી દ્વારા “આહારથી આરોગ્ય”ની સંકલ્પના સમજાવી માહિતી આપવામાં આવી હતી. તાલુકા ટેક્નિકલ સુપરવાઈઝર પૃથ્વીરાજ રાજપૂત દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન જોવા મળતા વાહકજન્ય રોગોથી બચવા માટે સમજ આપવામાં આવી હતી. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ એઇડ્સ સુરક્ષા અને વ્યસનમુક્તિ અંગે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
કોલેજના પ્રિન્સિપાલ ડો. દીપકભાઈ ખરાડીના માર્ગદર્શન હેઠળ કોલેજના અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓનો સહયોગ મળ્યો હતો.