ત્રીજા જ દિવસે કચ્છની મહિલાને ફ્રોડમાં ગયેલા ૩૫ લાખ પરત અપાવવામાં સફળતા

નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત બાદ
ત્વરિત આદેશથી પોલીસની કામગિરી

મુન્દ્રાના વતની આશાબેન સિદ્ધપુરા તેમની સાથે થયેલા રૂ. ૩૫ લાખથી વધારેની રકમના આર્થિક ફ્રોડ અંગે રજૂઆત લઈને પબ્લિક ડે દરમિયાન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જીવનભરની કમાણી આ છેતરપિંડીમાં સાફ થઈ ગયાની આપવીતી તેમણે જણાવતા ત્વરિત એક્શન માટે કડક આદેશો છૂટતા રજૂઆતના ત્રીજા જ દિવસે આ મહિલાને ફ્રોડમાં ગયેલા રૂ. ૩૫ લાખ પરત મળી ગયા હતા.
આશાબેન અંદાજે ત્રણ વર્ષ પહેલા નોકરીની જરૂરિયાત હોવાના લીધે ‘કે.ડી. એન્ટરપ્રાઈઝ’ નામની કંપનીમાં એજન્ટ તરીકે જોડાયા હતા. આ દરમિયાન કંપની દ્વારા વધુ આર્થિક વળતરની લાલચ આપવામાં આવતા આશાબેને અન્ય લોકોને પણ પોતાની સાથે જોડ્યા હતા. કંપનીએ ડબલ પૈસા પરત આપવાની સ્કીમો બતાવીને લોકો પાસેથી માતબર રકમ મેળવી લીધી હતી. પણ જ્યારે મુદત પૂરી થતાં પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કંપનીના સંચાલકો બહાના બતાવવા લાગ્યા અને અંતે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. આથી પોતાની અને અન્ય લોકોની કમાણી ફસાઈ જતાં આશાબેન ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ બાબતે ન્યાય મેળવવા માટે આશાબેને રૂબરૂ ગાંધીનગર પહોંચીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ પોતાની આપવીતી અને રજૂઆત મૂકી હતી શ્રી સંઘવીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈને તરત જ પશ્ચિમ કચ્છ એસ.પી ને કડક આદેશ આપ્યા કે અરજદારને તાત્કાલિક ન્યાય મળે અને તેમના નાણાં ઝડપથી પરત અપાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
પશ્ચિમ કચ્છ પોલીસ તરત જ હરકતમાં આવી હતી. પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ બીજા જ દિવસે અરજદાર સાથે રૂબરૂ મુલાકાત કરીને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી. LCB સહિતની પોલીસ ટીમે તાત્કાલિક ધોરણે સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસની આ સક્રિય અને અસરકારક કાર્યવાહીના પરિણામે માત્ર ૩ જ દિવસમાં રૂ. ૩૫ લાખથી વધુની રકમ પરત મેળવવામાં સફળતા મળી હતી.
શ્રી સુંડાએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી.દ્વારા મળેલી સૂચના બાદ પોલીસે ‘તેરા તુઝકો અર્પણ’ અભિયાન અંતર્ગત તત્પરતા દાખવીને કામગીરી કરી હતી. જેના પરિણામે મુન્દ્રા નિવાસી મહિલાને તેમના નાણાં ત્રણ દિવસમાં પરત અપાવી શકાયા હતા.