તળેટીમાં 300 વર્ષ જૂના પાળિયાની વિગતો સપાટીએ
કચ્છ ઇતિહાસ પરિષદે મુલાકાત લઈ કરી માહિતી એકત્રિત
ભુજ : કચ્છના રાજનગર ભુજનું નામભીધાન જેના ઉપરથી થયું છે તેવા ઐતિહાસિક ભુજિયા ડુંગરની આસપાસ હજુ અનેક અજાણ્યા ઐતિહાસિક અવશેષો હોવાની વિગતો સપાટી ઉપર આવીકચ્છના ગૌરવશાળી ઇતિહાસના અજાણ્યા પાનાઓને ઉજાગર કરવા કાર્યરત કચ્છ ઇતિહાસ પરિષદે ભુજિયાની તળેટીમાં આશરે 300 વર્ષથી વધુ પ્રાચીન એક પાળિયા (વીર સ્મારક) અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં લાવી છે. પરિષદના સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે આ સ્થળ કચ્છના ઐતિહાસિક યુદ્ધો અને શૂરવીરોની ગાથા સાથે જોડાયેલું છે.પરિષદના મંત્રી પ્રમોદભાઈ જેઠીએ જણાવ્યું હતું કે ભુજિયા ડુંગરની આસપાસ અનેક ઐતિહાસિક પાળિયા અને સ્મારકો આવેલા છે, પરંતુ આજદિન સુધી તેમનું સુવ્યવસ્થિત સંશોધન થયું નથી. તેમણે જણાવ્યું કે સંવત 1775 દરમિયાન શેરખાન બુલંદે ભુજ પર આક્રમણ કર્યું હતું. આ યુદ્ધમાં અઢારે વર્ણના અનેક શૂરવીરોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી, છતાં તેમના બલિદાનનો પૂરતો ઉલ્લેખ ઇતિહાસમાં હજુ જોવા મળતો નથી.આ જ યુદ્ધ દરમિયાન મહેશ્વરી સમાજના આયડી નૂખના શ્રી ધારા દાદા પણ વીરગતિ પામ્યા હોવાનું જાણવા મળે છે. ભુજિયાની તળેટીમાં તેમનું સ્મારક આજે પણ અસ્તિત્વમાં છે. મહેશ્વરી સમાજના ભાયાતો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ અહીં આવી પેઢીપાઠ અને પૂજન-અર્ચન કરે છે. ધારા દાદાનું બીજું સ્મારક માધાપરમાં આવેલું છે, જ્યાં મહેશ્વરી સમાજ દ્વારા નિયમિત પૂજાપાઠ તથા ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.ધારા દાદાને સુરાપુરા તરીકે પૂજવામાં આવે છે અને તેમના ભૂવાઓ પણ છે, જ્યાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.પરિષદે જણાવ્યું કે આ સ્મારક અત્યંત દુર્ગમ વિસ્તારમાં આવેલું હોવાથી સામાન્ય લોકો માટે ત્યાં પહોંચવું સરળ નથી. તેમ છતાં પરિષદના સભ્યોએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક વંશજો અને પૂજારીઓ પાસેથી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી. આજે પણ ધારા દાદાના વંશજો અને પૂજારીઓ અહીં નિયમિત સેવા-પૂજા અને ધાર્મિક વિધિઓ કરે છે.પરિષદના સભ્ય ભૂપેન્દ્રભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ધારા દાદાના વંશજો પાસેથી અગાઉ પણ આ સ્થળ અંગે માહિતી મળી હતી. પરિષદના અભ્યાસ અને સ્થાનિક પરંપરાગત માહિતીના આધારે આ સ્મારક આશરે 300 વર્ષથી વધુ જૂનું હોવાનું અનુમાન છે.
પરિષદના હોદ્દેદારોએ જણાવ્યું કે ભુજિયા ડુંગરની આસપાસ હજુ પણ અનેક ઐતિહાસિક સ્મારકો, પાળિયા અને પુરાવાઓ અજાણ્યા છે. જો તેનું વૈજ્ઞાનિક અને ઐતિહાસિક સંશોધન કરવામાં આવે તો કચ્છના ઇતિહાસના અનેક નવા અધ્યાયો પ્રકાશમાં આવી શકે છે. તો સંશોધકો માટે પણ સંશોધનનો આ નવો વિષય બની રહે તેમ છે

