ચૌહરીકરણથી કચ્છ વિસ્તારમાં માલ પરિવહન,ઉદ્યોગ તથા યાત્રી સુવિધાઓને નવી ગતિની આશા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સામખિયાળી–ગાંધીધામ ચૌહરીકરણ યોજના અંતર્ગત આ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક (અમદાવાદ) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામખિયાળી–ભચાઉ નવ-નિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇન પર પ્રથમ વખત ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઑબ્ઝર્વેશન કાર સાથે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ હાથ ધરાઇ હતી. આ ટ્રાયલ સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન હોવાનું તંત્રએ જણાવ્યું છે.
આ સુરક્ષા નિરીક્ષણ આ રેલવે લાઇનો પર યાત્રી ટ્રેન સેવાઓના શુંભારંભ ની દિશામાં એક મહત્વપૂર્ણ અને તકનીકી તબક્કો છે. અંતિમ સંરક્ષા મંજૂરી પ્રાપ્ત થયા બાદ આ રેલખંડ પર મુસાફર ટ્રેન સેવાઓનું સંચાલન શરૂ કરવામાં આવશે. તેવું જાહેર કરાયું હતું.
નિરીક્ષણના પ્રથમ દિવસે રેલ સંરક્ષા આયુક્તે સામખિયાળીથી ભચાઉ સુધી તથા બીજા દિવસે ભચાઉથી સામખિયાળી સુધી મોટર ટ્રોલી દ્વારા સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન નવી રેલવે લાઇનની ગુણવત્તા, ટ્રેક જ્યોમેટ્રી, રેલ વેલ્ડિંગ, સમપાર ફાટકો (લેવલ ક્રોસિંગ), સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, ઓવરહેડ ઇલેક્ટ્રિકલ ઉપકરણો , રેલ સંરક્ષા ધોરણો તેમજ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત કર્વ સંખ્યા, સમપાર ફાટક તેમજ બ્રિજ સંખ્યાનું પણ નિરીક્ષણ કરાયું હતું.
વોંધ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.સ્ટેશનની સંચાલન ક્ષમતા, યાર્ડની રચના, સિગ્નલિંગ વ્યવસ્થા, યાત્રી સુવિધાઓ તેમજ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કરાયું હતું. સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી. નવ-નિર્મિત વોંધ રેલવે સ્ટેશન પર રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ તથા મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશનું ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ, ગાંધીધામના પ્રતિનિધિમંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સથી કચ્છ વિસ્તારમાં રેલ સંપર્ક વધુ મજબૂત બનશે, માલ અને યાત્રી પરિવહનને નવી ગતિ મળશે તેમજ વિસ્તારના વેપાર, ઉદ્યોગ અને પર્યટન ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળશે.

