મુંદરાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે અકસ્માત ઝોન

ગતિ અવરોધકના અભાવે વાહનો અનિયંત્રિત

બંદરીય વિકાસની પ્રક્રિયાને લઈને સતત વિકસી રહેલા મુન્દ્રા નગરના પ્રવેશદ્વાર સમાન ડાક બંગલા ત્રણ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. આ સ્થળે ગતિ અવરોધક અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. ડાક બંગલા ત્રણ રસ્તા પાસે વાહનોની સતત અવરજવર અને ભારે ટ્રાફિક રહે છે. તેના કારણે લોકો તેમજ વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસને પગલે આ માર્ગ પર વાહનોની ગતિ અને સંખ્યા બંનેમાં પણ મોટો વધારો થયો છે, પરંતુ સુરક્ષાના અપૂરતા સાધનોને લીધે આ વ્યસ્ત સ્થળ હવે અકસ્માત ઝોન બની રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.
ડાક બંગલા પાસે આ ત્રણ રસ્તા મુન્દ્રાનું મુખ્ય પ્રવેશદ્વાર છે, જ્યાંથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોની પણ સતત અવરજવર રહે છે. અહીંથી પસાર થતાં વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઇ સબંધિત વિભાગ સમક્ષ તાકીદે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરવામાં આવી છે; આ જગ્યાએ તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવા અને ઝીબ્રા ક્રોસિંગ દોરવાની માંગ કરાઈ છે.
સ્થાનિક વાહનચાલકોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અહીં રોડ પર બનેલા ઢાળવાળા રસ્તાને કારણે વાહનચાલકોને ચડવા અને ઉતરવામાં તકલીફ પડે છે. વાહનો વારંવાર સ્લિપ થઈ જાય છે આ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ જ યોગ્ય પગલાં લેવાયા નથી.” તેવું પણ બહાર આવ્યું છે.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો આ જગ્યા પર અવારનવાર સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બને છે. જો રસ્તા પરની ખામીઓ દૂર કરી તેને યોગ્ય રીતે સરખો કરવામાં આવે અને રોડની બંને બાજુએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, તો રોજબરોજ થતા નાના-મોટા અકસ્માતોમાંથી મોટી રાહત મળી શકે તેમ છે.