ભુજ જિલ્લા ગ્રાહક કમિશનનો ચુકાદો, સારવાર ખર્ચ વ્યાજ સાથે ચૂકવવા હુકમ
મેડીક્લેઈમના પ્રપોઝલ ફોર્મમાં દર્શાવેલા વજન અને સારવારના મેડિકલ દસ્તાવેજોમાં વજન અલગ હોવાના કારણસર વલતરનો દાવો નામંજૂર કરનાર સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યુરન્સ કંપની લી. સામે ભુજ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે. કમિશને વીમા કંપનીની સેવામાં ક્ષતિ હોવાનું ઠરાવી ફરિયાદીની સારવાર પાછળ થયેલા ખર્ચ પેટે રૂ.2,63,672/- 9 ટકા વ્યાજ સાથે, તેમજ માનસિક ત્રાસના વળતર પેટે રૂ.10,000 અને ફરિયાદ ખર્ચ પેટે રૂ.5,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો. મીરઝાપર ( ભુજ )ના ફરિયાદી પ્રવિણ રામજી હિરાણીએ પોતાના પરિવાર માટે સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યુરન્સ કંપની લી. પાસેથી 4 લાખની મેડીક્લેઈમ પોલિસી લીધી હતી. પોલિસીના સમયગાળા દરમિયાન પેટમાં દુઃખાવો થતાં તેમણે તબીબને બતાવ્યું હતું. પેથોલોજી ટેસ્ટ કરાવ્યા બાદ અમદાવાદ ખાતે તબીબોને બતાવી ઓપરેશન માટે સારવાર લીધી હતી.
જેની પાછળ 3,00,877/-નો ખર્ચ થતાં ફરિયાદીએ વીમા કંપનીને જાણ કરી જરૂરી દસ્તાવેજો સાથે ક્લેઈમ રજૂ કરાયો હતો.
વીમા કંપનીએ પ્રપોઝલ ફોર્મમાં વજન અંગે ખોટી માહિતી જાહેર કરાઈ હોવાનું તથા સારવારના દસ્તાવેજોમાં વિસંગતતા હોવાનું જણાવી દાવો નામંજૂર કર્યો હતો.
કેસ દરમિયાન ફરિયાદીનું અવસાન થતાં તેમના વારસોને રેકર્ડ પર જોડવામાં આવ્યા હતા. કમિશન સમક્ષ વીમા કંપનીએ પોતાના બચાવમાં વિવિધ તકરારો કરી હતી, પરંતુ તેના સમર્થનમાં પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. કમિશને નોંધ્યું હતું કે માત્ર એક વર્ષના સમયગાળામાં વજનમાં 45 કિલોનો વધારો થયો હોવાના આધારે દસ્તાવેજોમાં વિસંગતતા ગણાવી ક્લેઈમ નકારવો યોગ્ય નથી. વીમા કંપનીની સેવામાં ક્ષતિ હોવાનું ઠરાવી વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે ભુજના ધારાશાસ્ત્રીઓ રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, વિક્રમકુમાર વાલજીભાઈ ઠક્કર તથા હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા.

