ભુજ નવી ઉમેદનગરએ વહોર્યો ‘નરકાગારનો ત્રાસ

પીવાના પાણીની લાઈનમાં ગટરનું દૂષિત પાણી આવતા આક્રોશ

ભુજના વોર્ડ નંબર ૬ માં આવેલી નવી ઉમેદનગર કોલોની વિસ્તારના રહેવાસીઓ દૂષિત પાણીનો અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા હોય તેવી નરકાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આ અંગેની વિગતો મુજબ વોર્ડ નંબર ૬ માં સમાવિષ્ટ નવી ઉમેદનગર કોલોનીમાં લાંબા સમયથી પીવાના પાણીને બદલે ગટરનું પાણી સપ્લાય થઈ રહ્યું છે.
આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, વોર્ડ નંબર ૬ ના ભાજપના નગરસેવક પ્રશાંત ગોસ્વામી ખુદ આ જ નવી ઉમેદનગર કોલોનીમાં રહે છે. એટલું જ નહીં, આ જ વોર્ડના મહિલા નગરસેવિકા ક્રિષ્નાબા ઝાલા નગરપાલિકાની વોટર સપ્લાય સમિતિના ચેરમેનનો હોદ્દો સંભાળે છે. પોતાના જ વિસ્તારના પ્રતિનિધિઓ સત્તામાં ટોચના સ્થાને હોવા છતાં છેલ્લા એકાદ મહિના કરતા પણ વધુ સમયથી નવી ઉમેદનગર કોલોનીમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું કાળું અને અત્યંત દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. તેવી ફરિયાદ ઉઠી છે.
સ્થાનિક લોકો દૂષિત પાણીનો સામનો કરી રહ્યા છે. લોકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે જનઆરોગ્ય સાથે આવા ગંભીર ચેડા કેમ ?
પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળવાની આ સમસ્યા અંગે નગરસેવકોને જાણ કરવામાં આવી છે, તેમ છતાં પગલાં લેવાય નથી. વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. સ્થાનિક લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે અથવા તો રોજના વપરાશ માટે ખાનગી ટેન્કરો પાછળ મોટો આર્થિક ખર્ચ તેમને વેઠવો પડી રહ્યો છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો કાયમી અને સચોટ ઉકેલ નહીં આવે, તો સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.