ભુજમાં બંધ મકાનમાંથી 95 હજારની ચોરી

મહિલાના ઘરમાંમાં ત્રાટકેલા તસ્કરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા

ભુજ શહેરના ઘોરાડ ચોક નજીક કોરેજા ગલી વિસ્તારમાં એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી 95 હજારની ચોરી થઈ હતી. આ અંગે જુલેખાબેન ઇબ્રાઈમ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, જુલેખાબેન ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિનું એક વર્ષ અગાઉ અવસાન થયું હોવાથી તેઓ એકલા રહે છે. 12 સપ્ટેમ્બરની રાત્રે જુલેખાબેન કામ પૂર્ણ કરી જમ્યા બાદ પાડોશમાં રહેતી અન્ય મહિલાઓ સાથે રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી બેઠા હતા. ત્યારબાદ તેઓ રોજની જેમ તેમના ભાઈ મામદહુસેન કોરેજાના ઘરે સુવા માટે ગયા હતા. દરમ્યાન બીજા દિવસે સવારે સાત વાગ્યે ઘરે પરત ફરતાં મુખ્ય દરવાજાને અંદરથી દોરી બાંધેલી જોવા મળી હતી. દોરી ખોલીને અંદર પ્રવેશતાં ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને તિજોરી પણ તૂટેલી હતી. તપાસ કરાતાં કબાટમાંથી આશરે ત્રણ તોલાની સોનાની ચેન , પોણા બે તોલાનો સોનાનો હાર, સોનાનું ઝુમ્મર, સોનાની ત્રણ વીંટી તથા રોકડા .22 હજાર મળી કુલ 95 હજારની માલમતા ગાયબ હોવાનું જણાયું હતું. તેમ ફરિયાદમાં લખાવાયું છે.