મુંદરામાં મની ટ્રાન્સફર એજન્ટ સાથે સાયબર ઠગાઈ

વેપારી પાસે અલગ-અલગ બેંક ખાતામાં 10 ટ્રાન્ઝેક્શન કરાવી લેવાયા

મુંદરા બસ સ્ટેશન પાસે મની ટ્રાન્સફર અને ટિકિટ બુકિંગની ઓફીસ ચલાવતા 23 વર્ષીય યુવક સાથે અજાણ્યા શખ્સે છેતરપિંડી કરી રૂ.2.94 લાખ બે અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતાં મુંદરા પોલીસ મથકે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી.
મુંદરાના નારણ હરીભાઈ ગઢવી ‘જય મોરદાદા ટેલીકોમ એન્ડ ટ્રાવેલ્સ’ નામે દુકાન ચલાવે છે અને મની ટ્રાન્સફરનું કામ કરે છે. તા. 14/09/ના સવારે તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ રામજીભાઈ તરીકે આપી ગુજરાતી ભાષામાં વાત કરી હતી અને સાડા ત્રણ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાનું કહી ટ્રાન્ઝેક્શન ચાર્જ અંગે પૂછ્યું હતું. થોડીવાર બાદ શખ્સે પોતાનો માણસ રૂપિયા લઈને દુકાને આવતો હોવાનું કહી તેના જણાવેલા ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. આશરે અડધા કલાક પછી હનીફભાઈ સલીમ આરબ, રહે. હરિનચર, મુંદરા દુકાને આવ્યા હતા. તેમણે પોતાનો ફોન નારણ ગઢવીને આપી ફોન પર વાત કરાવી હતી. સામેવાળાએ નારણના વોટ્સએપ પર બેંક ખાતા નંબર મોકલી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
નારણ ગઢવીએ તા.14 સપ્ટેમ્બરના બપોરે કુલ 10 ટ્રાન્ઝેક્શન કરી 2.94 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સામેવાળાએ હનીફભાઈને ફોન આપવાનું કહી ફોન કાપી નાખ્યો અને મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો. હનીફભાઈએ જણાવ્યું કે તેમને પણ અજાણ્યા નંબર પરથી 150 માણસો માટે નોનવેજ બનાવવાનો ઓર્ડર આપી રૂ.70,000 એડવાન્સ લેવા નારણની દુકાને મોકલવામાં આવ્યા હતા. આ રીતે બંને સાથે છેતરપિંડી થયાનું ખુલ્યું હતું તેમ ફરિયાદમાં લખાવાયું છે.