તો માર્ચથી ભુજ, નખત્રાણા, લખપતના ગામોને લાઈનથી નર્મદાનાં વધારાનાં નીર

કચ્છમાં પહોંચનારા એક મિલિયન ફિટ જળ માટે કરાયું આયોજન

કચ્છમાં પહોંચનારા નર્મદાના એક મિલિયન એકર ફિટ પાણીના ઉપયોગ માટેનું વ્યવસ્થિત આયોજન જળસંપત્તિ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, આ એક મિલિયન એકર ફિટ પાણી ટપ્પર ડેમ ખાતે પમ્પિંગ સ્ટેશનમાંથી પાઈપલાઈન દ્વારા વિવિધ સિંચાઈ યોજનાઓમાં પહોંચાડવાની તબક્કાવાર અમલવારી કરવામાં આવી રહી છે.
આ આયોજનની ત્રણ મુખ્ય લિંક-સધર્ન , નોર્ધન અને સારણ લિંક પૈકી જે નોર્ધન લિંક ફેઝ-1 અને ફેઝ-2નું 94 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. – તેવું કચ્છ સિંચાઈ વિભાગના ક્ષાર અંકુશ વિભાગ દ્વારા જાહેર કરાયું છે.
વિભાગે આપેલી વિગતો મુજબ નોર્ધન ફેઝ-1ના પ્રથમ તબક્કામાં આ લિંક થકી રૂા. 1394.11 કરોડના ખર્ચે ટપ્પર ડેમથી નિરોણા ડેમ સુધી લાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. તેમાં કુલ 151 કિ.મી. પાઇપલાઇન છે. મુખ્ય પાઇપલાઇન-121 કિ.મી. અને ફીડર પાઇપલાઇન-30 કિ.મી.ની રહેશે. નોર્ધન લિંકમાં ટપ્પર ડેમ પાસે મુખ્ય પમ્પિંગ સ્ટેશન-1નું નિર્માણ થઈ રહ્યું છે. જેમાંથી 2400 મિ.મિ. વ્યાસવળી ટ્વીન લાઈન દ્વારા પાણી મુખ્ય પમ્પિંગ સ્ટેશન-2 રાપર (ખોખરા) સુધી લાવવામાં આવશે. અહીંથી આ જ ટ્વીન લાઈન આગળ વધશે અને ઝુરણ, ધાણેટી, મમુઆરા, પદ્ધર, કાસવતી અને ઝીંકડી ફીડર સુધી પાણી પહોંચાડશે.
આ જ ટ્વીન લાઈન પર ફીડર પમ્પિંગ સ્ટેશન-1 (પદ્ધર) ખાતે અને ફીડર પમ્પિંગ સ્ટેશન-2 (વરનોરા) ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આગળ વધીને આ લાઈન રૂદ્રમાતા, લોરિયા, બાઉખા ખાતે પાણી ઠાલવશે. બાઉખા ફીડર બાદ મેઈન લાઈન આગળ વધશે અને તેના દ્વારા કાયલા ફીડરથી કાયલા ડેમ ખાતે અને અંતે નખત્રાણાના નિરોણા ડેમ ખાતે પાણી ઠાલવવામાં આવશે. આ લિંકનું કાર્ય પરિપૂર્ણ થતાં કુલ 12 સિંચાઈ યોજના લાભાન્વિત થશે, જેનાથી નખત્રાણા અને ભુજ તાલુકાના કુલ 22 ગામના 36,392 હેક્ટર વિસ્તારને ફાયદો થશે તો 37,896 લોકોને પૂરતાં પાણીની ઉપલબ્ધિ મળશે.
તંત્રએ વધુમાં કહ્યું હતું કે હાલની તારીખે આ પ્રોજેક્ટની ફિઝિકલ કામગીરી 94 ટકા જેટલી પૂર્ણ થઈ છે, જે આગામી માર્ચ-2027 સુધીમાં પૂર્ણ કરવા ગણતરી છે. બીજીતરફ નોર્ધન લિંક ફેઝ-2ના બીજા તબક્કામાં થયેલી કામગીરી વિશે જાહેર થયેલી વિગતો મુજબ આ લિંક દ્વારા રૂા. 900.90 કરોડના ખર્ચે નખત્રાણા તાલુકાના નિરોણા ડેમની નજીક મકનપર ગામ પાસે મુખ્ય પમ્પિંગ સ્ટેશન-3થી લખપત તાલુકાના નરા ડેમ સુધી 80.965 કિલોમીટરની મુખ્ય પાઇપલાઇન અને 39.123 કિલોમીટરની ફીડર પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. – નોર્ધન લિંક ફેઝ-2માં નિરોણા ડેમની નજીક મકનપર ગામ પાસે મુખ્ય પમ્પિંગ સ્ટેશન-3નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 1600થી 2600 મિ.મિ. વ્યાસની લાઈન દ્વારા પાણી નરા ડેમ સુધી લાવવામાં આવશે. આ લાઈન પર ઙિજ-3, ઙિજ-4, ઙિજ-5 અને ઙિજ-6નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ લાઈન દ્વારા ઊલટ, ખારડિયા, દેવસર, ગડાપૂઠાં, ઝાલુ, ચાવકડા, મથલ, ઉમરપર, વિગોડી અને ગજણસર ફીડર ખાતે પાણી ઠાલવવામાં આવશે. આ લિંકનું કાર્ય પરિપૂર્ણ થતાં 13 સિંચાઈ યોજનાને ફાયદો થશે, આનાથી નખત્રાણા અને લખપત તાલુકાના 25 ગામના 31,681 હેક્ટર વિસ્તારને ફાયદો થશે તો 25,883 લોકોને પૂરતાં પાણીની ઉપલબ્ધિ મળી રહેશે.