ઝાડીમાં કટિંગની પ્રક્રિયા વચ્ચે એલ.સી.બી.નો દરોડો, બુટલેગરો કારમાં પલાયન
પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ નખત્રાણા તાલુકાના વડવાકાંયા અને મંગવાણા ગામની સીમમાં મંગળવારે પરોઢે દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડો પાડી 48.12 લાખની કિંમતનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક, બાઈક, મોબાઈલ ફોન મળી કુલ 58.37 લાખની માલસમગ્રી કબજે કરી નખત્રાણા પોલીસ મથકે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
બાતમીના આધારે સવારે પાંચ વાગ્યે મંગવાણાથી ગઢશીશા તરફ જતા રોડ પર વડવાકાંયા ગામની સીમમાં બાવળોની ઝાડીઓમાં આ દરોડો પડાયો હતો. પોલીસના વાહનો જોઈ બુટલેગર જીતીયો સોઢા અને તેના સાગરીતો સફેદ ક્રેટા તથા વ્હાઈટ સ્વિફ્ટ કારમાં નાસી છૂટ્યા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. સ્થળ પરથી પોલીસને એક બાઈક પણ મળી આવી હતી, જે રોહા સુમરીના ધવલકુમારના નામે નોંધાયેલી હોવાનું બહાર આવ્યું હતું.
દરમિયાન ટ્રકની કેબિનમાં તપાસ કરાતાં તેમાં ડ્રાઈવર નિંદ્રાધીન મળી આવ્યો હતો. પોલીસે તેને ઉઠાડી પૂછપરછ કરતાં ટ્રકમાં દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. ડ્રાઈવર સત્તારખાન રમજાનખાન પઠાણ (ઉ.વ.29, રહે. બાડમેર, રાજસ્થાન)એ જણાવ્યું કે ટ્રક માલિક શકુરખાન નવાબખાન અને તેના મિત્ર અકબરખાન સમેજા, બંને બાડમેરએ ફોન પર વાત કરી પંજાબથી દારૂનો જથ્થો ટ્રકમાં લોડ કરાવ્યો હતો. કચ્છમાં આ માલ જીતીયા સોઢાને પહોંચાડવાનો હતો. નખત્રાણા પહોંચ્યા બાદ જીતીયો પોતાની ક્રેટા કારથી પાયલોટીંગ કરી ટ્રકને વડવા કાંયાની સીમમાં કટિંગ માટે લઈ આવ્યો હતો. તેવી વિગતો પણ પોલીસે જાહેર કરી છે. ટ્રકમાં જવના ભૂંસા અને પ્લાસ્ટિક દાણાંના વેસ્ટના 50 કોથળાંની આડમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. ગણતરી દરમિયાન 38.52 લાખની કિંમતની દારૂની 7740 બોટલ તથા 9.60 લાખની કિંમતના 7680 બિયર ટીન મળી આવ્યા હતા. વરસાદને કારણે કાચો રસ્તો કાદવ-કીચડવાળો બનતાં ટ્રકનું પૈડું ફસાઈ ગયું હતું. જે.સી.બી.ની મદદથી ટ્રક બહાર કાઢી નખત્રાણા પોલીસ મથકે લઈ જવાઇ હતી.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભટીંડાથી થરાદ, ડીસા, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, હળવદ, માળિયા, સામખિયાળી, અંજાર, ભુજ થઈ નખત્રાણા પહોંચાડવામાં આવ્યો હોવાનું સપાટીએ આવ્યું છે. પોલીસે દારૂ મોકલનાર બાડમેરના બંને શખ્સો, ટ્રક ડ્રાઈવર, મગાવનાર જીતીયો સોઢા તેમજ ક્રેટા, સ્વિફ્ટ અને બાઈકના ચાલકો-માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાખાના ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને તેમની ટીમે વધુ તપાસ શરૂ કરી છે. તેમ પોલીસે ઉમેર્યું હતું.

