આવાસ સહિતની લેખિત ખાતરી બાદ 73માં દિવસે લડત પૂર્ણ
સરકારી રાહે હાથ ધરાયેલી દબાણ હટાવ કાર્યવાહીને લઈને બેઘર બનેલા ગાંધીધામના 300 પરિવાર માટેની લડતનો બુધવારે રાત્રે સુખદ અંત આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ઘર અને અન્ય સવલત આપવાની માંગણીઓ સ્વીકારી લેખિત ખાતરી આ માટે અપાતા દિવસો સુધી ચાલેલું આ આંદોલન અંતે પૂર્ણ થયું હતું.
ગાંધીધામથી પદયાત્રા સાથે ભુજ ખસેડાયેલી આ લડતની છાવણી કલેકટર સામે મંડાઈ હતી અને ધરણાનો કાર્યક્રમ ભૂખ હડતાળમાં પરિવર્તિત થઈને ઉગ્ર બન્યો હતો. અંતે બુધવારે રાત્રે 11 વાગ્યે વહીવટી તંત્ર દ્વારા લેખિત ખાતરી અપાતા આંદોલન પૂર્ણ કરવાની ઘોષણા કરાઈ હતી. આ આંદોલનનું નેતૃત્વ લેનારા ભીમ આર્મીના લખન ધુઆએ બુધવારે રાત્રે પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા બેઘર થયેલા પરિવારોને આવાસ યોજના તળે ઘર આપવાની અને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થાની લેખિતમાં ખાતરી આપી હતી. જેના પગલે 73માં દિવસે આ લડતનો સુખદ અંત આવ્યો છે. શ્રી ધુઆએ આ તબબકે સહયોગ આપનારા કચ્છના સાંસદ અને વહીવટી તથા પોલીસ તંત્ર સહિતના સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

