જિલ્લા કોગ્રેસ પ્રમુખના આક્ષેપ સાથેની યાદીએ છેડયો રાજકીય વિવાદનો મધપુળો
જાહેરમાં ધણી વાર સાથે અને એક દેખાતા અંજાર વિસ્તારના ભાજપના અગ્ર હરોળના બે નેતાની લડાઇ કચ્છથી લઇ ગાંધીનગર સુધી આમતો પ્રચતિલ છે. અલબત્ત છેલ્લા થોડા સમયથી ચુંટણી સિવાયના કોઇ મુદ્દે તેમની આંતરીક લડાઇ સામે આવી હોય તેવુ બન્યુ નથી. પરંતુ કચ્છ જીલ્લા કોગ્રેસ પ્રમુખના એક પત્રએ ફરી આ મામલે ધટસ્ફોટ કર્યો છે.જો કે અખબારી યાદી સ્વરૂપના તેમના આ પત્રમાં કેટલીક વિસંગતતા અને તેમનો એક તરફી પક્ષપાત તજજ્ઞોને દેખાઈ રહ્યો છે. પણ જો ખરેખર આવુ હોય તો રાજ્યકક્ષાએથી આ મામલાની નોંધ લેવાવી જોઇએ તેવો ગણગણાટ રાજકીય વર્તુળોમાં વહેતો થયો છે.
તાજેતરમાં જ આર.એસ.એસ.ની શાખા મુદ્દે પત્ર લખી વિવાદમાં આવેલા કચ્છ જિલ્લા કોગ્રેસ પ્રમુખ વિ. કે. હૂંબલએ ફરી આ એક પત્ર લખ્યો છે.જેમાં તેમણે આક્ષેપ કર્યો છે. કે અંજાર તાલુકાના દુધઈથી-અમરાપર સુધીના આશરે 5 કિલોમીટર લાંબા રોડના રિસરફેસિંગનું મંજૂર થયેલું કામ આંતરિક રાજકીય ખેંચતાણના કારણે અટકી પડ્યું છે. શ્રી હૂંબલની પક્ષ વતી યાદી અનુસાર , લાંબા સમયથી દુધઈ-અમરાપર માર્ગ જર્જરિત હાલતમાં હોવાથી રિસરફેસિંગનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું અને કામ શરૂ કરવા માટે મશીનરી પણ સાઇટ પર પહોંચી ગઈ હતી.જોકે, અમરાપર અને દુધઈના ગ્રામજનોએ વિસ્તારના એક ટોચના નેતાને કામના પ્રારંભ પ્રસંગે બોલાવ્યા બાદ વિવાદ સર્જાયો હોવાનો કોંગ્રેસનો દાવો છે.યાદીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટોપ સ્તરના અન્ય નેતાએ કોન્ટ્રાક્ટરને કામ શરૂ નહીં કરવા તેમજ સાઇટ પરથી તમામ મશીનરી હટાવી લેવા સૂચના આપી હતી. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને ભાજપના બે નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ સાથે જોડીને સવાલો ઉઠાવ્યા છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખના જણાવ્યા પ્રમાણે, લાંબા સમય સુધી સેવા તથા મહત્વના પદ ઉપર રહી ચૂક્વા ઉપરાંત અંજાર વિસ્તારમાં લોકચાહનાને લઈને ગ્રામજનોએ નેતાને રોડના કામના પ્રારંભ માટે આમંત્રણ આપ્યું હતું,પરંતુ ત્યારબાદ અચાનક કામ અટકી ગયું છે. વિકાસના કામો જનતાના કરવેરાના નાણાંમાંથી થતા હોય છે,ત્યારે આંતરિક રાજકીય મતભેદોના કારણે મંજૂર કામો અટકાવવા ન જોઈએ.તેમ કહી ભાજપના નેતાઓને આંતરિક ખેંચતાણ છોડીને મંજૂર થયેલા વિકાસ કામો સમયસર પૂર્ણ કરાવવા ધ્યાન આપવા આ યાદીમાં શીખ પણ અપાઈ છે. દરમ્યાન ચોક્કસ રાજકીય વર્તુળોની ચર્ચા મુજબ કોગ્રેસ પ્રમુખે આ પત્ર તો લખ્યો છે.પરંતુ તેને રાજકીય વિખવાદ પુરતો જાણે સિમીત રાખ્યો છે.ખરેખર જો પ્રજાના કામ અટકી ગયા હોય અને કોઇપણ રાજકીય ખેંચતાણમાં વિવાદને કારણે કામ અટક્યુ હોય તો જવાબદાર એજન્સી અથતા તંત્રના વિભાગને પત્ર વિપક્ષી પાર્ટીના નેતા તરીકે લખવો જોઇએ પરંતુ માત્ર રાજકીય રીતે પત્ર લખાયો હોય તેવુ ચર્ચાય છે. રાજકીય પાર્ટીઓમાં ચર્ચામાં પત્રમાં એક પક્ષના વખાણ અને લોકચાહનાની વાત કરી છુપો પ્રેમ પણ જાણે છુપાવાઈ ન શકાયો હોય તેવુ કહેવામાં આવે છે. વિપક્ષનુ કામ હમેંશા લોકોના પ્રશ્નો રજુ કરવાનો અને સરકાર તથા સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓની ભુલો પ્રત્યે કાન આમડવાનો હોય છે.પરંતુ આ પત્ર જાણે રાજકીય વિવાદ છેડવા માટેનો હોય તેવી મુલવણી આ વર્તુળો દ્વારા થઈ રહી છે. હાલ અંજાર ભાજપના રાજકીય વિવાદો ગાંધીનગર પહોંચી રહ્યા છે, તેવામાં આ મામલો પણ ત્યા પહોંચે તો નવાઇ નહી. તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

