આડેસરથી કોટેશ્વર સુધી જન્મદિન ઉજવણી, લાખો દિવડા પ્રગટાવાયા, અનેક કાર્યક્રમ યોજાયા
આજકાલથી નહિ પણ છેક મુખ્યમંત્રી હતા ત્યારથી કે તેનાથી પણ પહેલાથી કચ્છ પરત્વે ખાસ અને વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આજે 76માં જન્મદિવસ નિમિતે કચ્છવાસીઓએ પણ પોતાના આ સ્વજન વ્યક્તિત્વ માટે હોંશથી લાગણીનો પડગો પાડી ઉજવણી કરી હતી. આ નિમિતે આશીર્વાદનો દીવડો અંતર્ગત લાખો દિવડા પ્રગટાવી સમગ્ર જિલ્લાએ નરેન્દ્રભાઈ માટેનો પ્રેમ છલકાવ્યો હતો. જિલ્લામાં એક છેડેથી બીજા છેડા સુધી ચોમેર સેવાકીય અને ઉપયોગી અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સવાયા કચ્છના માંડું નું બિરુદ પામેલા નરેન્દ્રભાઈ મોદી તરફની કચ્છની આ લાગણી સાથેની ઉજવણીનો માહોલ એઇતિહાસિક બની રહ્યો હતો. આ ઉજવણીમાં વિવિધ ધર્મ અને ક્ષેત્રના આબાલવૃદ્ધ લોકો જોડાયા હતા. જિલ્લામાં ઉજવણી અન્વયે સેવા સંકલ્પ અભિયાન તળે સવારથી છેક રાત્રી સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની હારમાળા સર્જાઈ હતી. ભુજ અને ગાંધીધામ જેવા જિલ્લાના મુખ્ય બે શહેર ઉપરાંત તમામ નવ તાલુકા મથક તથા નાનામોટા ગ્રામ્ય વિસ્તારો ઉજવણીમાં ઓતપ્રોત બન્યા હતા.
ગુરુવારે સાંજે ઉજવણીના ભાગ સ્વરૂપે ચોમેર આયોજિત આશીર્વાદનો દિવડો હેઠળ સંસ્થાઓ અને લોકોએ 11 લાખ દીવા પ્રગટાવ્યા હતા. વિવિધ સ્થળે રક્તદાન કેમ્પ, અંગદાન જાગૃતિ કાર્યક્રમ, વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
ગુરુવારે સવારે ભુજના માધાપર નજીક માહી ડેરી પાસેથી કચ્છ ભાજપ દ્વારા તેરા તુજકો અર્પણ ટ્રસ્ટના સહયોગથી વિવિધ ગામના પશુઓ માટે ઘાસની 76 ગાડીને પ્રસ્થાન કરાવવા સાથેનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, કચ્છ ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પક્ષના જિલ્લા મહામંત્રી હિતેશ ખંડોર અને ભીમજી જોધાણી સહિત રાજકીય અને સામાજિક આગેવાનો, પશુપાલકો, જીવદયાપ્રેમીઓ, કાર્યકરો સેવભાવીઓ વગેરે જોડાયા હતા.
બપોરે ભુજમાં લાયન્સ હોલ ખાતે શક્તિ મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રો. બીનાબેન ભાનુશાલી અને ડોલીબેન શાહના નેતૃત્વમાં 20 મહિલાને શિવણ યંત્ર આપી આત્મનિર્ભર નારી માટેની પહેલ કરાઈ હતી. તો જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સાસદનો સ્ટાર્ટટ અપ કાર્યક્રમ પણ યોજાયો હતો. ભુજના સ્મૃતિ વન ખાતે સંધ્યા સમયે પ્રજ્વલ્લિત કરાયેલા હજારો દિવડા ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

