ગ્રાહકોના વિઝાની વાત કરી રકમ પડાવી, વિઝા નકલી હોવાનું ખુલ્યું
ભુજમાં પંચમુખા હનુમાન શેરી ખાતે કિશોર ટ્રાવેલસ નામની એજન્સી ચલાવતા હિમેશ કિશોરભાઈ ગોરજી સાથે અલ્બેનિયા દેશના વિઝા અપાવવાના નામે રૂ.17 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો બહાર આવ્યો છે.
જાન્યુઆરી-2026માં હિમેશભાઈએ ઇંસ્ટાગ્રામ પર સ્ટડી, વર્ક અને ટૂરિસ્ટ વિઝાની જાહેરાત જોઈ હતી. વ્યવસાય માટે જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં રણવીરસિંઘ સાથે વાત થઈ હતી. રણવીરસિંઘે અલ્બેનિયાની કંપનીમાં 39 વ્યક્તિઓની જરૂરિયાત હોવાનું જણાવી વિઝા અપાવવાની ખાતરી આપી હતી. આ પછી સોનીયા ઠાકુર નામની મહિલાએ ફોન કરી ગ્રાહકોના પાસપોર્ટ મંગાવ્યા હતા. બાદમાં પાંચ ગ્રાહકોના વિઝા તૈયાર હોવાનું જણાવી રકમ મોકલવા કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ અલગ-અલગ 17 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેવું ફરિયાદમાં લખાવાયુ છે. દરમિયાન ગ્રાહકોની ટિકિટ અંગે રણવીરસિંઘ અને સોનીયા ઠાકુરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ફોન ન ઉપાડતાં શંકા ગઈ હતી. ત્યારબાદ વિઝાની ખરાઈ માટે તપાસ થતા વિઝા ખોટા હોવાનું જણાયું હોવાની વિગતો ફરિયાદમાં લખાવાઇ છે

