વાગડના ગાંધીવાદી વલ્લભપર ગામનો દારૂ મામલે વટભેર હટકે નિર્ણય

પીનારા અને વેચનારા સાથે જામીન પડનારા માટે પણ દંડ

રાપર તાલુકાના ગાંધીવાદી ગામ તરીકે ઓળખાતા વલ્લભપરમાં ક્રાંતિકારી પગલાના સ્વરૂપમાં દારૂના દૂષણ સામે વટથી હટકે નિર્ણય લઈ આ બદીને ડામવા માટે કડક શિક્ષાત્મક પગલાની ઘોષણા વચ્ચે નિયમો બનાવાયાં છે.
સમસ્ત ગામે દારૂ પીનારને 1000, વેંચનારને 5000, જામીન પડનારને 5000 દંડ અને જે વ્યક્તિ બીજીવાર પકડાશે તેને ગામવાસીઓ દ્વારા જ પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવશે એવા નિર્ણય લીધા છે. લોકોની જાગૃત્તિના પગલે રાપર તાલુકા ના વલ્લભપર ગામે સર્વાનુમતે દારૂબંધીના સજ્જડ અમલનો આ નિર્ણય લીધો છે અને નિયમો ઘડ્યા છે. ગ્રામજનોની મળેલી બેઠકમાં નિયમ પાલન માટે સમિતિની રચના કરી દારૂના દુષણ સામે આ ગામે લક્ષ્મણ રેખા દોરી હતી.
1500ની વસ્તીવાળા આ ગામે વલ્લભપર સમાજવાડીમાં બેઠક યોજી હતી. આગેવાનો, વડીલો, બહેન-દીકરી, યુવાનોની હાજરીમાં આ સંકલ્પ લેવાયો હતો. તો દર મહિનાની 20મી તારીખે બેઠક યોજી સમીક્ષા કરવાનું પણ નક્કી કરાયું હતું. દારુ ના દુષણને ગામમાંથી જાકારો આપવાની શરૂઆત સાથે આ ગામે ક્રાંતિકારી કહી શકાય તેવું પગલું ભર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વલ્લભપર ગામ સેવાભાવી સર્વોદય કાર્યકર સ્વ. મગનભાઇ સોનીની સાધનાનું ગામ છે. ગામમાં છેલ્લા દોઢેક દાયકાથી દારૂના દુષણે ગામને અભડાવવાનું શરૂ કર્યું હતું . 1951માં જેનું તોરણ બંધાયું એવા વલ્લભપરને વિશેષ ઓળખ આપી ગાંધીવાદી, સર્વોદય ક્ષેત્રે કાર્યરત સ્વ. મગનભાઈ સોનીએ 1952માં વલ્લભપરમાં – ધો. 1થી 7ની શાળા સાથે છાત્રાલય શરૂ કર્યું હતું. સહકારીક્ષેત્રે વલ્લભપર વિ.કા.સ. મંડળીને પાંચાભાઇ પરસોંડ જેવા મંત્રીએ ઉભી કરી હતી.તેઓ 1964થી 87 સુધી મંત્રી રહ્યા હતા.
સરપંચ સામાભાઇ રાયજણ મકવાણા, ફૂટબોલ કોચ એમ.એ. સુધી ભણેલા જીગર રણશી મકવાણા, ઇશ્વર વીરા પરસોંડ, કિરણ પાંચાભાઈ પરસોંડ સહિતનાએ સભામાં દારૂની દાદાગીરીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આખા ગામે આ દૈત્યને દેશવટો આપવા સામૂહિક ધોરણે દારૂબંધીના સજ્જડ અમલ અને ગામની જ – રખેવાળીનો નિર્ણય લીધો હતો.