અંજારમાં બાવન શાળાના છાત્રો પ્રશ્નમંચમાં જોડાયા

ભારત વિકાસ પરિષદના ઉપક્રમે યોજાઈ સ્પર્ધા

વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ, વિરાસત અને રાષ્ટ્રભાવનાનું સિંચન થાય તેવા હેતુથી ભારત વિકાસ પરિષદ–અંજાર શાખા દ્વારા ટાઉનહોલ અંજાર ખાતે “ભારત કો જાનો પ્રશ્નમંચ” સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રકલ્પના પ્રથમ તબક્કામાં અંજાર તાલુકાની બાવન શાળાના ૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો. લેખિત પરીક્ષામાંથી ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની ટીમો વચ્ચે ટાઉનહોલ ખાતે પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઈ હતી.
​કાર્યક્રમનો પ્રારંભ સ્વામિનારાયણ મંદિર–અંજારના સંતો હરિકૃષ્ણ સ્વામી તથા હરિ સેવક સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો. મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તેમજ અતિથિ વિશેષ તરીકે એર ઇન્ડિયાના પાયલોટ ઋષિકેશભાઈ સોમેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ક્ષેત્રીય સંપર્ક કન્વીનર જખાભાઈ હુંબલ, ક્ષેત્રીય સંસ્કાર કન્વીનર (સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાત) જયદિપસિંહ જાડેજા અને કચ્છ પ્રાંત પ્રમુખ ડૉ. અમીતભાઈ પટેલએ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
સ્પર્ધામાં ક્વિઝ માસ્ટર તરીકે જયદીપસિંહ જાડેજા અને નિકુંજભાઈ પાઘડાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર મંચ સંચાલન સંદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત કો જાનો પ્રશ્નમંચના વિજેતાઓમાં ​માધ્યમિક વિભાગમા ​પ્રથમ સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ, અંજાર (ટીમ ૧), ​દ્વિતીય કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કૂલ, અંજાર (ટીમ ૧) અને ​તૃતીય સરકારી માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળા, અંજાર રહી હતી. જ્યારે ​પ્રાથમિક વિભાગમાં ​પ્રથમ અંજાર નગર પ્રાથમિક શાળા નં. ૬,
​દ્વિતીય વેલસ્પન વિદ્યામંદિર (ટીમ ૧) અને ​તૃતીય વેલસ્પન વિદ્યામંદિર (ટીમ ૨) રહી હતી. સ્પર્ધાનું આયોજન પરિષદના પ્રમુખ પરેશભાઈ સોની, મંત્રી મનોજભાઈ અબોટી,ખજાનચી જીજ્ઞેશભાઈ સોમેશ્વર, સંસ્કાર કન્વીનર યોગેશભાઈ રાવલ તથા BKJ સંયોજક મયુરભાઈ મજેઠીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ મનોજભાઈ અબોટી દ્વારા કરાઈ હતી.