આરોગ્ય કામગીરી સમીક્ષા માટે તાલીમ કાર્યશાળા

આરોગ્ય સેવાનો લાભ છેવાડા સુધી પહોંચાડવા માર્ગદર્શન

જિલ્લા કલેક્ટર અને ડી.ડી.ઓ.ના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ ઓફિસરો માટે તાલીમ-સહ-સમીક્ષા કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીએ આરોગ્ય વિભાગના વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ આરોગ્ય કાર્યક્રમોની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમોની પ્રગતિ, લક્ષ્યાંકો, કામગીરીમાં આવતા પડકારો તથા આગામી આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંતિમ સત્રમાં વિવિધ રોગ નિયંત્રણ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ટીબી અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા ‘ટીબી મુક્ત કચ્છ’ના લક્ષ્યાંક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યશાળાનો મુખ્ય હેતુ તાલુકા કક્ષાએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા અને સરકારી આરોગ્ય યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાનો હતો.