અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન

અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો

વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસે તે માટે વિવિધ જનજાગૃતિ અભિયાનો, સંકલ્પ કાર્યક્રમો તેમજ શાળા-કોલેજોમાં સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા અણુવ્રત વિશ્વભારતી સોસાયટીના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું કે અણુવ્રત કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ કે પંથ સાથે જોડાયેલો શબ્દ નથી, પરંતુ માનવતા અને કુદરતના શાશ્વત નિયમોના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન છે. તેમણે જણાવ્યું હતું કે અણુવ્રતના ૧૧ સંકલ્પો માત્ર વ્યક્તિગત આચારસંહિતા નથી, પરંતુ એક આદર્શ, સંસ્કારી અને જવાબદાર સમાજના નિર્માણની આધારશિલા છે. આ સંકલ્પો વ્યક્તિને અહિંસા, સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, માનવ એકતા, ધાર્મિક સહિષ્ણુતા, ભ્રષ્ટાચારમુક્ત જીવન, વ્યસનમુક્તિ, મર્યાદિત ઉપભોગ, સંયમપૂર્ણ જીવનશૈલી, પર્યાવરણ સંરક્ષણ અને ચારિત્ર્ય નિર્માણ તરફ પ્રેરિત કરે છે. અણુવ્રત સમિતિના ઉપપ્રમુખ ભારતીબેન શાહ સાથે આ અભિયાનમાં સમિતિના ઉપપ્રમુખ અશોકભાઈ ખંડોર (શાહ ) મંત્રી નવીન શાહ, ખજાનચી દિનેશભાઈ મહેતા, પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા તથા વાડીભાઈ મહેતાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.