ત્રણ આરોપીનું બેખોફ કૃત્ય : આરોપી ચાલકને છોડાવી ગયા
ગેરકાયદેસર કોલસાનો જથ્થો ભરેલી ટ્રક પકડી આ બાબતે ધોરણસરની કાર્યવાહી કરી રહેલા વનરક્ષક પર હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કરાયો હોવાનો મામલો નખત્રાણા પોલીસ મથકે નોંધાયો છે. નખત્રાણા તાલુકામાં કાર્યરત વનતંત્રની અરલ મોટી બીટના વનરક્ષક ભારુભાઈ નારણભાઈ ચારણે ત્રણ જણ સામે આ હુમલા વિશે ફરિયાદ નોંધાવી છે.
માતાના મઢ હાઈવે પર હોટેલ પંગત નજીક ગેરકાયદે મનાતા કોલસા ભરેલી આઈશર ટ્રક અટકાવાયા બાદ આગળની કાર્યવાહી કાર્યવાહી કરવા નખત્રાણા ફોરેસ્ટ ઑફિસ લઈ જવાયા બાદ આ ઘટના બની હોવાનું ફરિયાદમાં લખવાયું છે.
બુધવારે રાત્રે દસ વાગ્યે અરલ ગામના જયદીપ ઊર્ફે દીનબંધુ જાડેજા, તેના ભાઈ રાજકુમાર અને દાદુભા જાડેજા નામનો શખ્સ બે દ્વિચક્રી પર ધોકા સાથે ફોરેસ્ટ ઑફિસ આવ્યા હતા. અહીંયા ગાડી કોણ લઈ આવ્યું છે? મારી ગાડી તારા સાહેબ પણ ના રોકાવે’ તેવું. કહીને ત્રણે જણે બી.એન. ચારણને માર મારી, ગળું દબાવી હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કર્યો હોવાનું ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ કહ્યું હતું. હુમલા બાદ ટ્રકના ડ્રાઈવર જાડા માકુ જત (રહે. લુડબાય, નખત્રાણા)ને છોડાવીને વાહનો સાથે ત્રણે આરોપીઓ નાસી ગયાં હોવાનું ફરિયાદમાં ઉમેરાયું છે.

