અંજાર મંદિરે હિંડોળા મહોત્સવનો પ્રારંભ

નવલખા પર્વતના હિંડોળા સાથે શુભારંભ

અંજાર સ્વામિનારાયણ મંદિરે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શન ઉદ્ઘાટન સમારોહ શ્રધ્ધાભેર યોજાયો અંજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે વિશેષ નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ શ્રદ્ધાભેર યોજાયો હતો. બપોરે યોજાયેલા આ સમારોહમાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મહંત સ્વામી ધર્મનંદનદાસજી (ભુજ મંદિર)ના હસ્તે તેમજ કોઠારી સ્વામી જાદવજી ભગત સહિત વડીલ સંતો, મહાનુભાવો અને આગેવાનોની ઉપસ્થિતિમાં નવલખા પર્વત એવમ્ હિંડોળાનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત સંત દેવપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ વિશેષ આયોજનમાં અક્ષરવલ્લભદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, નંદકિશોરદાસજી સ્વામી, દેવજીવનદાસજી સ્વામી, હરિકૃષ્ણદાસજી સ્વામી, આનંદવલ્લભદાસજી સ્વામી સહિત સંતમંડળ, કાર્યકારી સમિતિના હોદ્દેદારો, મહિલા મંડળ, યુવા તથા યુવતી મંડળના સભ્યો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નવલખા પર્વત ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનપ્રસંગ અને નવલખા સિદ્ધપુર સાથે સંકળાયેલી પાવન સ્મૃતિને જીવંત કરતો આધ્યાત્મિક દર્શનરૂપ પ્રયોગ છે. શણગાર, આકર્ષક હિંડોળા અને આધ્યાત્મિક વાતાવરણથી મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. સમારોહ દરમિયાન સંતોએ ભગવાન સ્વામિનારાયણના જીવનમૂલ્યો, ધર્મ, ભક્તિ, સેવા અને સત્સંગના મહિમા અંગે સંદેશ આપ્યો હતો.
સ્વામિનારાયણ મંદિર દ્વારા આગામી દિવસોમાં પણ હરિભક્તોને પરિવાર સાથે આવી દિવ્ય નવલખા પર્વત એવમ્ હિંડોળા દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.