અણુવ્રત સમિતિના કાર્યક્રમમાં લેવાયા નશામુક્તિના શપથ
અણુવ્રત સમિતિ ભુજ દ્વારા તેરાપંથ ભવનમાં યોજાયેલા લાઇવ કાર્યક્રમમાં લોકોએ આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેશના યુવાશક્તિ અને નાગરિકોને સંબોધિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે ભુજ પણ જોડાયું હતું.અણુવ્રત સમિતિ ભુજના આયોજન હેઠળ તેરાપંથ ભવન ખાતે કાર્યક્રમનું સામૂહિક લાઇવ પ્રસારણ યોજાયું હતું. જેમાં સમાજજનો, યુવાવર્ગ તથા વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના સંદેશનું શ્રવણ કર્યું કરવા સાથે આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ ગ્રહણ કર્યો હતો.દેશવ્યાપી આ અભિયાનમાં 10 હજારથી વધુ સ્થળો એકસાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા, જ્યારે એક કરોડથી વધુ યુવાનો અને નાગરિકોએ ભાગ લઈને નશામુક્ત ભારતના સંકલ્પને જનસમર્થન આપ્યું હતું. દેશભરમાં સામૂહિક રીતે નશામુક્તિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને આગામી 100 અઠવાડિયા સુધી દર રવિવારે જનજાગૃતિ, રમતગમત, ફિટનેસ, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા અભિયાનને સતત ગતિ આપવાની પણ શરૂઆત કરવામાં આવી હતી.પોતાના સંબોધનમાં વડાપ્રધાન શ્રી મોદીએ જણાવ્યું હતું કે નશો માત્ર વ્યક્તિના જીવનને જ નહીં, પરંતુ પરિવાર, સમાજ અને સમગ્ર રાષ્ટ્રના ભવિષ્યને પણ ગંભીર અસર પહોંચાડે છે. વ્યસનમુક્ત ભારતનું નિર્માણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક જાગૃત નાગરિકનું સામૂહિક કર્તવ્ય છે.આ પ્રસંગે જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના એકાદશ આચાર્ય આચાર્ય મહાશ્રમણજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ચાલી રહેલા અણુવ્રત આંદોલન અને નૈતિક જાગૃતિના અભિયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટી દ્વારા દેશવ્યાપી નશામુક્તિ, નૈતિક જાગૃતિ અને ચારિત્ર્ય નિર્માણના વિવિધ અભિયાનોની માહિતી પણ આપવામાં આવી હતી. અણુવ્રત સમિતિ ભુજના માર્ગદર્શન હેઠળ સમાજમાં સંયમ, સદાચાર, વ્યસનમુક્તિ અને માનવમૂલ્યોના પ્રસાર માટે સતત કાર્યરત હોવાનું જણાવાયું હતું.ઉપાસિકા પ્રેમલતાબેન નાહર તથા ઉપાસિકા મધુબેન નાહટાની ઉપસ્થિતિ રહી હતી. તેમણે વ્યસનમુક્ત જીવનને આધ્યાત્મિક, પારિવારિક અને સામાજિક સુખનું મૂળ ગણાવી ઉપસ્થિત સૌને અણુવ્રતના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમમાં મહાસભા પ્રતિનિધિ શાંતિલાલ જૈન તથા નરેન્દ્ર મહેતા, જૈન શ્વેતાંબર તેરાપંથ સભા ભુજના અધ્યક્ષ હસમુખભાઈ મહેતા તથા મંત્રી ધનસુખભાઈ કુબડિયા, તેરાપંથ યુવક પરિષદ ભુજના અધ્યક્ષ મયુરભાઈ મહેતા તથા મંત્રી મિત મહેતા, તેરાપંથ મહિલા મંડળ ભુજના અધ્યક્ષા જાગૃતિબેન બાબરિયા તથા મંત્રી અદિતિબેન મહેતા, અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા અણુવ્રત વિશ્વ ભારતી સોસાયટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય મહેશ પ્રભુલાલ મહેતા, મંત્રી નવીનભાઈ શાહ, ખજાનચી દિનેશ મહેતા તેમજ તેરાપંથ પ્રોફેશનલ ફોરમ ભુજના અધ્યક્ષ સ્નેહલભાઈ મહેતા અને મંત્રી સંદીપભાઈ આચાર્ય સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો અને સમાજજનોએ ભાગ લીધો હતો.
જૈન શ્વેતાંબર તેરાપંથ સભા ભુજ, તેરાપંથ યુવક પરિષદ, તેરાપંથ મહિલા મંડળ, તથા અણુવ્રત સમિતિ ભુજનું આયોજન માટે સંકલન રહ્યું હતું.

