કચ્છમાં યાયાવર પક્ષીઓની ગણતરીનો પ્રારંભ

યાયાવર પક્ષીઓનો ડેટા ઇ બર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરાશે

કચ્છ વિવિધ પ્રકારના કુદરતી આવાસ ધરાવતું હોવાથી પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓ માટે મહત્ત્વપૂર્ણ માર્ગ અને વિરામસ્થળ તરીકે ઓળખાય છે. તા.૨૫ સપ્ટેમ્બરથી પ્રનિધિ ટ્રસ્ટ દ્વારા કચ્છ વન વિભાગના સહયોગથી પાંચમો પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ એટલે કે યાયાવર પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે, જે ૨૭ સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ અભિયાનનો ઉદ્દઘાટન સમારોહ સાંજે ભુજ ખાતે યોજાયો હતો, જેમાં બર્ડ વોચર, વિદ્યાર્થીઓ મળીને દેશના ૧૮ રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વન સંરક્ષક ધીરજ મિત્તલે જણાવ્યું હતું કે, ૫૧ ઝોનમાં ગ્રીડ બનાવીને થયાવર પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૮ રાજ્યોમાંથી ૨૨૦ જેટલા લોકો જોડાયા છે. જે લોકો અગાઉ ભાગ લઇ ચુક્યા છે તેમના અનુભવો મેળવાયા હતા અને આ વખતે પ્રથમવાર જોડાયા છે તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓને ચિત્તા પ્રોજેક્ટ, બન્ની ગ્રાસલેન્ડ સહિતની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ બાદ કચ્છના વિવિધ વિસ્તારોમાં પક્ષી નિરીક્ષણ અને પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓની ગણતરી માટેના સ્થળ પર સૌને લઇ જવામાં આવ્યા હતા. પક્ષીઓનો ડેટા એકત્ર કરીને ઇ-બર્ડ નામની એપ્લિકેશનમાં મૂકવામાં આવશે, જેનાથી કોઇ પણ વ્યક્તિને પક્ષીઓ વિશે માહિતી મળી શકે છે.
કચ્છમાંથી યુરોપિયન રોલર, રેડ-બેક્ડ શ્રાઈક, રેડ-ટેઈલ્ડ શ્રાઈક, સ્પોટેડ ફ્લાયકેચર, રુક્સ-ટેઈલ્ડ સ્ક્રબ-રોબિન, ગ્રેટર વ્હાઇટથોટ, કોમન કુકૂ અને બ્લુ-ચીકડ બી-ઈટર સહિતની અનેક પ્રજાતિઓ પસાર થાય છે. આમાંથી યુરોપિયન રોલર, કોમુન કુકૂ અને બ્લુ-ચીકડ બી-ઈટર ભારતમાં પ્રજનન કરતી પ્રજાતિઓ પણ છે, પરંતુ કચ્છમાં મુખ્યત્વે પેસેજ માઈગ્રન્ટ તરીકે જોવા મળે છે. નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, આયુષ વર્મા, એસીએફ જયોતિ જોષી, શિવરાજ ગઢવી. પ્રનિધિ ટ્રસ્ટના ઉદય વોરા તથા તેમની ટીમના સભ્યો જોડાયા હતા.