ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારને જોડતી નવી ટ્રેન ૨૫૩૨ કી.મી.નો રૂટ
ભારતીય રેલવે દ્વારા ભુજથી બિહારના બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગોને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. તેવું તંત્રે જણાવ્યું છે.
નવી અમૃત ભારત એસ્પ્રેસ બંને શહેરો વચ્ચે આશરે ૨૫૩૨ કિલોમીટરનું અંતર કાપશે. આ સેવા શરૂ થવાથી લાંબા અંતરના મુસાફરોને વધુ એક રેલવે વિકલ્પ ઉપલબ્ધ બની રહેશે.ટ્રેન નંબર ૧૯૪૨૭ ભુજ-બરૌની અમૃત ભારત એસ્પ્રેસ ભુજથી સાંજે ૫:૩૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે ૪:૦૫ વાગ્યે બરૌની પહોંચશે. ભુજથી બરૌની જતી આ ટ્રેન સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે.તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૪૨૮ બરૌની-ભુજ અમૃત ભારત એસ્પ્રેસ બરૌનીથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧:૧૫ વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન મંગળવાર, ગુરુવાર અને શનિવારે દોડશે.
આ નવી એસ્પ્રેસ ટ્રેનમાં માર્ગમાં અનેક મહત્ત્વના સ્ટેશનો પર કોમર્શિયલ સ્ટોપેજ આપવામાં આવશે. તેમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ! ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઈઝતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સહિતના મથકોનો સમાવેશ થાય છે. નવી ટ્રેન સેવા શરૂ થવાથી ગુજરાતથી બિહાર તેમજ માર્ગમાં આવતા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના વિવિધ શહેરો વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને વધારાની સુવિધા મળશે. સાથે જ પશ્ચિમ અને પૂર્વ ભારત વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. જોકે, આ નવી ટ્રેનની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ બુકિંગ શરૂ કરવામાં આવશે તેવું તંત્ર દ્વારા સતાવાર રીતે જાણવા મળ્યું હતું.

