કચ્છમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ

લોકો માટે હિતકારી યોજનાઓનો લાભ છેવાડા સુધી પહોંચાડવા હાકલ

રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારાતા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્યસ્તરે ૯ તાલુકાના ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરીક્ષેત્રમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્થળે આયોજીત “સેવા સેતુ કાર્યક્રમ”ના માધ્યમથી નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે આપવામાં આવ્યા હતા.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ તમામ તાલુકાઓમાં “સેવા સેતુ”, “સ્વચ્છતા હી સેવા” તેમજ “એક પેડ માઁ” કે નામ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ પૂરી પાડતી લોકાભિમુખ પહેલ અન્વયે રાજ્ય સરકારની “સેવા સેતુ” યોજના થકી નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ નજીકમાં જ પ્રાપ્ત થયો હતો. ૨૧ સપ્ટેમ્બરના શહેરીક્ષેત્રમાં રાપર નગરપાલિકા તથા નખત્રાણા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે સોમવારે ગ્રામ્યસ્તરે ભચાઉ તાલુકામાં જનાણ, ખારોઇ ગામ ખાતે, અંજાર તાલુકામાં સંઘડ ગામ તથા રાપર તાલુકામા આડેસર તેમજ મુંદરા તાલુકામાં દેશલપર ગામ ખાતે નાગરિકોને સરકારની વિવિધ સેવાઓના લાભ સાથે તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકા કચેરી ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમને નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.