બળાત્કાર સાથે હત્યાના કેસનો ભેદ ખોળી કઢાયો

ગાંધીધામના કિસ્સામાં ઓરિસ્સાવાસી પકડાયો

જિલ્લાના વિકસિત નગર ગાંધીધામમાં મહિલા સાથે બળાત્કાર બાદ તેની હત્યા થવાના કિસ્સાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો હતો. આ ઘટનામાં 23 વર્ષની ના પ્રેમસિંગ પુરીબાગની ધડપકડ કરવામાં આવી છે. ગાંધીધામના મચ્છુનગર રેલવે ફાટક પાસે બાવળની ઝાડીમાંથી 45 વર્ષીય મહિલાની લાશ આ કિસ્સામાં મળી હતી. ગત 19 સપ્ટેમ્બરે મહિલનો મૃતદેહ મળી આવતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવા સાથે છાનબીન શરૂ કરાઇ હતી.
સત્તાવાર સાધનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસે ફોરેન્સિક લેબ નિષ્ણાતો, ક્રાઇમ સીન એક્સપર્ટ, ડોગ સ્કોડ અને હ્યુમન સોર્સની મદદ તપાસ અંતર્ગત લીધી હતી. ઘટનાસ્થળેથી મળેલા રૂમાલ અને નજીકના સી.સી. ટી.વી. કેમેરાના આધારે શંકાસ્પદ આરોપીની ઓળખ કરવામાં મદદ મળી હતી અને અંતે કેસનો તાગ મેળવી શકાયો હતો.
પોલીસે કહ્યું હતું કે બનાવ પ્રકાશમાં આવ્યા બાદ ગણતરીના કલાકોમાં ઇન્દિરાનગર રેલવે પાટા પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત આપી હોવાની વિગતો જાહેર કરાઈ છે. ભોગ બનનારી મહિલા ટિફિન લઈને બાવળવાળા રસ્તેથી પસાર થતી હતી ત્યારે આરોપીએ તેને પકડી હતી. મહિલાએ બૂમો પાડતા આરોપીએ ગળું દબાવી તેની હત્યા કરી હતી. આરોપીએ મહિલા સાથે બળાત્કાર કરી લાશ બાવળની ઝાડીમાં ફેંકી દીધી હોવાની કેફિયત પણ પોલીસ સમક્ષ આપી છે. પકડાયેલો આરોપી પ્રેમસિંગ મૂળ શ્રદ્ધાપુર, જિલ્લો નુઆપાડા, ઓરિસ્સાનો રહેવાસી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ અવિરત રખાઈ છે.