ભુજમાં ગુરુવારે યોજાશે ડૉ. જયંત ખત્રી વાર્તા સ્પર્ધા – ૨૦૨૬ પારિતોષિક વિતરણ સમારંભ

નરેન્દ્રસિંહ રાણા, શ્રદ્ધાબેન ભટ્ટ અને ધર્મેશ ગાંધીને એનાયત થશે પારિતોષિક

ડૉ. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ – માંડવી દ્વારા ડૉ. જયંત ખત્રી વાર્તા સ્પર્ધા – ૨૦૨૬ ના વિજેતાઓનો પારિતોષિક વિતરણ સમારંભ આગામી તા. 24 સપ્ટેમ્બર ગુરુવારે ભુજમાં યોજાશે. ભુજમાં હમીરસર તળાવના કિનારે વિજયરાજજી પુસ્તકાલય સ્થિત ભૂપતસિંહજી હોલ ખાતે સાંજે છ વાગ્યે આ કાર્યક્રમ ‘સંસ્મૂતિ’ સંસ્થાના પ્રમુખ રમીલાબેન પી. મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાશે.ગુજરાતના જાણીતા સાહિત્યકાર રાઘવજી માધડ વ્યક્તિ વિશેષ સ્થાને રહેશે. અતિથિ વિશેષ તરીકે ડૉ. જયંત ખત્રીના પુત્ર કચ્છ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રી ઉપરાંત સ્પર્ધાના નિર્ણાયક અને જાણીતા સાહિત્યકાર માવજીભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહેશે.
સ્પર્ધાના પ્રથમ વિજેતા નરેન્દ્રસિંહ રાણા, દ્વિતીય વિજેતા શ્રદ્ધાબેન ભટ્ટ અને તૃતીય વિજેતા ધર્મેશ ગાંધીને પારિતોષિક તેમજ પાંચ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ આપવામાં આવશે. તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.