લોકોને ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં રેલવે અવસંરચનાના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. સામાખ્યાલી–ગાંધીધામ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો વચ્ચે નવી નિર્મિત 32.90 ટ્રેક કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર યાત્રી રેલ સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા 5 અને 6 ઑગસ્ટ, 2026ના સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે.
નિરીક્ષણ દળમાં રેલવે સંરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ, અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ, મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા તેમજ નિર્માણ અને ઓપન લાઇન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સામેલ રહેશે.
05 ઑગષ્ટના સામખિયાળીથી ભચાઉ વચ્ચે ડાઉન લાઇન પર મોટર ટ્રોલી દ્વારા વિસ્તૃત સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે, જ્યારે 6 ઑગસ્ટના ભચાઉથી સામખિયાળી વચ્ચે અપ લાઇન પર મોટર ટ્રોલી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ બંને નવી રેલ લાઇનો પર ઇલેક્ટ્રિક લોકોમોટિવ અને ઑબ્ઝર્વેશન કાર સાથે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એન્જિન સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. દરમ્યાન સંરક્ષાને ધ્યાનમાં રાખીને નાગરિકો અને સ્થાનિક રહેવાસીઓને નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ દરમિયાન સામખિયાળી–ભચાઉ રેલખંડની રેલવે લાઇન અને તેની આસપાસના વિસ્તારોથી સુરક્ષિત અંતર જાળવી રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે. કોઈપણ સંજોગોમાં રેલવે ટ્રેક પાર ન કરવા કહેવાયું છે. આ દરમિયાન આ રેલખંડ પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.
આ કામગીરીમાં કુલ 32.90 ટ્રેક કિલોમીટર નવી ત્રીજી અને ચોથી રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ડાઉન લાઇન 16.398 કિલોમીટર અને અપ લાઇન 16.502 કિલોમીટર લાંબી છે.
સમગ્ર 32.90 ટ્રેક કિલોમીટરમાં નવી રેલ લાઇનનું ટ્રેક લિંકિંગ અને બિછાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં અંદાજે 6.25 લાખ ઘન મીટર અર્થવર્ક, 1.27 લાખ ઘન મીટર બ્લેન્કેટિંગ તથા 0.96 લાખ ઘન મીટર બેલાસ્ટ બિછાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ હેઠળ 4 મેજર પુલ અને 25 માઇનર પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
•સામખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો પર જરૂરી રેલવે અવસંરચનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે તથા ચોહરીકરણ પ્રોજેક્ટને અનુરૂપ 9 સમપાર ફાટકો (લેવલ ક્રોસિંગ)નું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.
યાત્રી રેલ સંચાલનની મંજૂરી આપતા પહેલાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, પુલો, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો, ઇન્ટરલોકિંગ વ્યવસ્થા, ઓએમએસ પરીક્ષણ તેમજ અન્ય તમામ સંરક્ષા ધોરણોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. સાથે જ ઉચ્ચ ગતિએ સુરક્ષિત ટ્રેન સંચાલનની પણ તપાસ કરવામાં આવશે.
સામખિયાળી–ભચાઉ રેલખંડ કચ્છના ઔદ્યોગિક વિસ્તારો તેમજ કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડતો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ દ્વારા ભુજ, ગાંધીધામ, વાયોર અને આસપાસના વિસ્તારોમાંથી મોટા પાયે માલપરિવહન કરવામાં આવે છે.

