અમેરિકામાં કચ્છના માતાપુત્ર ઝળક્યા

ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરવા બદલ સુવર્ણચંદ્રક

અમેરિકાના ડલ્લાસ ખાતે આયોજિત ગીતા મહાયજ્ઞમાં કચ્છની પ્રતિભાએ વૈશ્વિક સ્તરે કચ્છને ગૌરવ અપાવ્યું છે. મૂળ ભુજના અને હાલ મસ્કત (ઓમાન) સ્થિત ૧૩ વર્ષીય જુશ્ય જુબેન જોષી તેમજ તેમના માતા શ્વેતાબેન જુબેન જોષીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકો કંઠસ્થ કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
જુશ્ય અને શ્વેતાબેને સતત એક વર્ષની મહેનત અને સાધના બાદ ભગવદ્ ગીતાના તમામ ૭૦૦ શ્લોકોનું કોઈ પણ ભૂલ વિના મુખપઠન કર્યું હતું. ડલ્લાસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૬૦ હજારથી વધુ શ્રદ્ધાળુઓ તથા વિશ્વભરમાંથી આવેલા ૧,૧૦૦થી વધુ સાધકોની ઉપસ્થિતિમાં બંનેને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જે ગીતા તાલીમ અભિયાન અંતર્ગત જુશ્ય અને શ્વેતાબેને આ ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે, તે કાર્યક્રમના નામે અગાઉ એકસાથે સૌથી વધુ સાધકો દ્વારા ગીતા પઠન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે. સારસ્વત સમાજના શ્રેષ્ઠી પૂર્ણિમાબેન સુરેન્દ્રભાઈ જોષી તથા સુરેન્દ્રભાઈ શિવ (સદુભાઈ શિવ, મસ્કતવાળા)ના પૌત્ર અને પુત્રવધૂએ આંતરરાષ્ટ્રીય મંચ પર આ સફળતા પ્રાપ્ત કરીને સમગ્ર કચ્છ, ગુજરાત અને સારસ્વત સમાજનું નામ ઉજાગર કર્યું હોવાની લાગણી વ્યક્ત કરાઈ રહી છે.