ઇસ્કોન મંદિર ઉજવશે જન્માષ્ટમી, નંદોત્સવ

મેઘપર બોરીચી / ગાંધીધામ : આગામી તારીખ ૦૪/૦૯/૨૦૨૬ના સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ગાંધીધામના મેઘપર બોરીચી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમી અને નંદ મહોત્સવની અનોખી ઉજવણી પરંપરાગત રીતે ભાવભેર કરાશે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વિશ્વભરના ૨૦૦થી વધુ દેશમાં ફેલાયેલા ૮૦૦થી ૧,૦૦૦ જેટલા ઇસ્કોન મંદિરોમાં જન્માષ્ટમીની વિશેષ ઉજવણી થતી હોય છે, જેના ભાગરૂપે ગાંધીધામ ઇસ્કોન દ્વારા પણ આ વર્ષે ભક્તો માટે આ અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મંદિરના અધ્યક્ષ હર્ષ કેશવદાસજીના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વને દિવ્ય અને અનોખી રીતે ઉજવવામાં આવશે. મહોત્સવના દિવસે સવારે ૯ વાગ્યાથી મધ્યરાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી સતત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલશે. જેમાં વિશેષ મહાઅભિષેક, અખંડ હરિનામ કીર્તન-અર્ચન, ઝૂમતા કરી મૂકે તેવા ડાન્સિંગ કીર્તન, ભગવાનને ૫૬ ભોગની સામગ્રી અને રાત્રે પ્રભુ પ્રગટ્ય બાદ મહાઆરતી યોજાશે. જન્માષ્ટમીના પ્રભાતે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ મંગલા આરતી કરવામાં આવશે. આ વર્ષે પ્રભુના વિગ્રહ (મૂર્તિ)ના શૃંગાર માટે ખાસ વૃંદાવનથી આવેલા વિરહ પ્રકાશ પ્રભુ સેવા આપી રહ્યા છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
જન્માષ્ટમીના બીજા દિવસે તારીખ ૦૫/૦૯/૨૦૨૬ના સાંજે ‘નંદોત્સવ યોજાશે. આ નંદોત્સવમાં ભક્તોને હરિનામ કીર્તનનો લહાવો મળશે. આ સાથે જ જનસામાન્ય સુધી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પરમ જ્ઞાન સરળતાથી પહોંચી શકે તે માટે ખાસ તૈયાર કરાયેલું નાટ્ય રૂપાંતરણ (સ્ક્રિપ્ટ) પણ રજૂ કરવામાં આવશે. ગાંધીધામ, આદિપુર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમીને આ મહોત્સવનો લાભ લેવા ઇસ્કોન મંદિર તરફથી ઉમેશ પંડ્યાએ યાદી દ્વારા જણાવાયું છે.