કોટડા જડોદર મફતનગરમાં કરુણાંતિકા, તપાસનો પ્રારંભ
નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર ગામ પાસે મફતનગર વિસ્તારમાં શનિવારે ઢળતી બપોરે ભંગારના વાડામાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં શ્રમજીવી કુંભાર પરિવારના ચાર સભ્યની જિંદગી ભરખાઈ હતી. ધડાકો ક્યા કારણે થયો તેની તપાસ નિષ્ણાતોએ આદરી છે. એક જ પરિવારના બે સહોદર અને બે કુમળી વયના બાળકોને મૃત્યુના મુખમાં ધકેલી દેનારા આ કરુણ કિસ્સાએ સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાવી છે.
શનિવારે બપોરે સાડા ચારેક વાગ્યાના સુમારે મીની ટેમ્પો જેવા ભરવાહક વાહનમાંથી ભંગારનો જથ્થો ઉતારતી વખતે આ ગોઝારો વિસ્ફોટ થયો હતો. જેમાં 30 વર્ષની વયના મામદ કુંભાર અને તેના સગા નાના ભાઈ 26 વર્ષના નૂરમામદ કુંભારના સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે આ પરિવારના બે ભૂલકાં ત્રણ વર્ષના હુશનેન અને ત્રણ વર્ષની બાળા નુર ફાતિમા ગંભીર રીતે જખ્મી થયા બાદ હોસ્પિટલ લઈ જવાયા બાદ તેમના જીવનદીપ પણ બુઝાઈ ગયા હતા. પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભોગ બનનાર કુંભાર પરિવારના સભ્યો ભંગારનું કામ કરે છે. એકત્ર થતો ભંગાર તેઓ ઘરના પ્રાંગણમાં જ રાખે છે. જ્યાં આ જીવલેણ વિસ્ફોટ થયો હતો. બનાવના સમયે મીની ટેમ્પોમાંથી ભંગાર ખાલી કરવામાં આવી રહ્યો હતો ત્યારે ધડાકાની આ ઘટના બની હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ધડાકો દૂર સુધી સંભળાયો હતો. બાદમાં ધડાકાના સી.સી. ટી.વી. દ્રશ્યો વાયરલ થતા તેના ઉપરથી પણ બનાવની ગંભીરતા દેખાઈ આવતી હતી.
બનાવની જાણ થતા નખત્રાણા પોલીસ અને વિવિધ શાખાનો સ્ટાફ દોડી જઈને તપાસમાં પ્રોવાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા પણ સ્થાનિકે પહોંચી ગયા હતા.
એસ. પી. એ ધડાકો ખરેખર ક્યાં કારણે થયો તે નિષ્ણાતોની તપાસમાં બહાર આવશે તેમ કહ્યું હતું. તો મામલતદાર રાકેશ પટેલે ભંગારના વાડાઓની તપાસ કરવાનું કહ્યું હતું. મોડેથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ બનાવ સ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કરુણ બનાવનો ભોગ બનનારા પરિવાર માટે સહાય સહિતની માગણી રાજકીય અને સામાજિક આગેવાનોએ કરી હતી.

